આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી અપનાવવાની શરૂઆત કરેલી. રાચરચીલામાં, પહેરવેશમાં અને અલંકારોમાં પણ ભીંતચિત્રોનું પ્રતિબિંબ જોઈ શકાતું. આ આંદોલને ફ્રેંચ ક્રાન્તિ પછી ઘટતી જતી રસવૃત્તિને સતેજ કરી. મુખ્યત્વે આ આંદોલન ઇંગ્લૅન્ડથી આરંભાયું અને પછી આંતરરાષ્ટ્રીય બન્યું. ઇંગ્લૅન્ડની આટર્સ ઍન્ડ ક્રાફ્ટ્સ મૂવમેન્ટમાંથી ઉદભવેલી આ શૈલીના મૂળ સ્રોતોમાં કેલ્ટિક હસ્તપ્રતો અને વિલિયમ બ્લેકનાં ચિત્રો ઉપરાંત પર્શિયન માટીકામ અને પુરાણા રોમન કાચરચનાના નમૂનાને ગણાવી શકાય.

આર્ટ નૂવો, કાપડની ડિઝાઇન
સૌ. "Silk with Art Nouveau Design (1900) textile design in high resolution by Georges de Feure. Original from The Cleveland Museum of Art. Digitally enhanced by rawpixel." | CC BY 4.0
બ્રિટનમાં આર્ટ નૂવોની પ્રભાવક અસર પાડનાર કલાકાર ઑબ્રે વિન્સન્ટ બિઅર્ડસ્લે (1872-1898) હતા. પુસ્તકને અંતે તે વિલક્ષણ ચિત્રો દ્વારા ટીકા કે વિવરણનું સૂચન કરતા. સ્કૉટિશ શિલ્પી ચાર્લ્સ રેની મૅકિન્ટૉશ (1868-1928) આ શૈલીના પ્રતિનિધિ ગણાતા. કલાત્મક રચના અને સ્થાપત્યના વિકાસમાં તેમનો પ્રભાવ ઊંડો હતો. આર્ટ નૂવો સંજ્ઞા પ્રથમ ફ્રાંસમાં વપરાતી થઈ. કાવ્ય અને ચિત્રની પ્રતીકાત્મકતા સાથે તે સંકળાયેલી હતી. પૉલ ગોગાં (1848-1903) અને તેમના મિત્રો આ શૈલીનો પ્રારંભ કરનાર હતા. હેન્રી દ તુલુઝે લોત્રેક (1864-1901) ભીંતપત્રો અને શિલા-છાપમાં નિષ્ણાત હતા. ઓગણીસમી સદીના અંતમાં મોલીન રુજે કૅબરે માટે પોસ્ટરોની ડિઝાઇન આ શૈલીમાં તૈયાર કરી. 1892માં બેલ્જિયમનું પાટનગર બ્રસેલ્સ આ આંદોલનનું કેન્દ્ર બન્યું. અહીં વિક્ટર હૉર્તાએ સ્થાપત્યના ક્ષેત્રમાં નવીનતા આણી. 1896માં પૅરિસમાં નૂતન શૈલીએ તૈયાર થયેલી કલાકૃતિઓ વેચવાની દુકાન ખોલવામાં આવી. ત્યારપછી ગ્લાસગોમાં ચાર્લ્સ મૅકિન્ટૉશે આ શૈલીનો સ્થાપત્યમાં વિશેષ ઉપયોગ કર્યો અને આકારોને સૂક્ષ્મ વળાંકો આપીને કમનીયતા ઉપજાવી. વિયેનામાં ઑટો વૅગ્નર, ઍડૉલ્ફ લૂઈ, જોસેફ હૉફમાન અને અન્ય કલાકારો તથા સ્થપતિઓએ આ નૂતન શૈલીને વીસમી સદી સુધી પ્રચલિત કરી. આ આંદોલન જર્મનીમાં જુગેંદસ્તિલ એટલે કે યુવાશૈલી તરીકે લોકપ્રિય બન્યું. સ્પેનમાં ઍન્ટોનિયો ગૌડી નામના સ્થપતિએ આ શૈલીનાં અંગત અને મૌલિક વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો આપ્યાં. અમેરિકામાં લૂઇ સલિવાન (1856-1924) આ શૈલીના ચુસ્ત અનુયાયી હતા અને લૂઈ કમ્ફર્ત તિફાની (1848-1933) કાવ્ય અને અલંકારોની રચનામાં વિખ્યાત હતા.
ઈ. સ. 1900 સુધી તે અત્યંત વ્યાપક થઈ. 19મી સદીના અંતમાં ઔદ્યોગિક યુગને અનુરૂપ શૈલીની શોધમાંથી આ શૈલીનો ઉદભવ થયેલો અને મશીન ટૅકનૉલૉજીનો વિકાસ થતાં વીસમી સદીના પૂર્વાર્ધમાં તે ઓસરતી ગઈ.
રવીન્દ્ર વસાવડા
સ્નેહલ શાહ