આર્જેન્ટીના : દક્ષિણ અમેરિકામાં અગ્નિખૂણે ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલો બીજા ક્રમે મોટો દેશ. તે આશરે 220 00´થી 550 00´ દ. અ. અને 560 30´થી 730 30´ પ. રે. વચ્ચે આશરે 27,66,654 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. 9 જુલાઈ 1816ના રોજ સ્વતંત્ર થયેલ આ દેશ બે ધારાગૃહો ધરાવે છે. તેનું સમવાહી પ્રજાસત્તાક બંધારણ 9 જુલાઈના રોજ 1853 અમલમાં આવ્યું હતું.
લગભગ 60 % જમીન ખેતીના ઉપયોગમાં છે, જ્યારે 23 % જમીનમાં જંગલો છે. સાનજુઆન પ્રાન્તમાંનો ઍન્ડીઝ પર્વતમાળાનો પ્રદેશ ભૂસ્તરશાસ્ત્રીય રીતે સક્રિય છે, 1944 તથા 1977માં ત્યાં ધરતીકંપ થયો હતો. આર્જેન્ટીનામાં વાયવ્યમાં ઍન્ડીઝ પર્વતમાળાનો દક્ષિણ ભાગ આવેલો છે. તેનું સૌથી ઊંચું શિખર એકોન્કાગુઆ (6,959 મી.) છે. પારાના નદીનાં સપાટ મેદાનોનો પ્રદેશ ખેતપેદાશોની બાબતમાં દુનિયામાં સૌથી વધુ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. ઍન્ડીઝના પર્વતો ખનિજોની બાબતમાં સમૃદ્ધ છે. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, સીસું, સોનું વગેરે આર્જેન્ટીનાની મુખ્ય ખનિજ પેદાશો છે.
વસ્તી : 44,938,712 (2020). કુલ પ્રજોત્પત્તિ દર : 19.8; મૃત્યુ દર : 7.9 22.9; આયુષ્ય : પુરુષો 68.6 વર્ષ, સ્ત્રીઓ 75.7 વર્ષ (1995) 98 % પ્રજા યુરોપિયન છે અને માત્ર 2 % લોકો મેસ્તિઝો છે. દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ અને વિશ્વમાં પાંચમા ક્રમે સૌથી વધુ યહૂદીઓ (પાંચ લાખ) આર્જેન્ટીનામાં છે. પૂર્વ અને પશ્ચિમ યુરોપના લગભગ બધા દેશોના લોકો આર્જેન્ટીનામાં આવીને વસ્યા છે. 91.6 % લોકો રોમન કૅથલિક છે જ્યારે 8.4 % લોકો અન્ય ધર્મો પાળે છે. અક્ષરજ્ઞાનનું પ્રમાણ 98.8% છે. આર્જેન્ટીનાનો સત્તાવાર ધર્મ રોમન કૅથલિક છે. નાગરિકને ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા બંધારણ હેઠળ છે, પણ રાષ્ટ્રપ્રમુખ અને ઉપપ્રમુખ રોમન કૅથલિક હોય તે જરૂરી છે. સત્તાવાર ભાષા સ્પૅનિશ છે.
ઇતિહાસ : 1999ની ચૂંટણીમાં ફર્નાન્ડો દિ લારુઆ વિજયી નીવડ્યા. પરંતુ 2001માં સરકાર સામે થયેલા લોકોના તોફાનમાં 25 નાગરિકોનાં મૃત્યુ થતાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું. માર્ચ 2009માં ફર્નાન્ડિઝ ડિ કિરર્નેરે અણધાર્યા ચૂંટણીવિષયક કાયદાના સુધારા કર્યા. 28 જૂન, 2009ની ચૂંટણીમાં કિરર્નેરને થોડીક પીછેહઠ કરવી પડી.
અર્થતંત્ર : 1998માં દેશની કુલ ગૃહ પેદાશ (GDP) આશરે 298 અબજ અમેરિકન ડૉલર હતી. આ કુલ ગૃહપેદાશ(GDP)માંથી 1998ના વર્ષમાં કૃષિક્ષેત્રનો ફાળો 5.7 %, ઉદ્યોગોનો ફાળો 28.7 % અને સેવાક્ષેત્રનો ફાળો 6.5.6 % હતો. 1995માં દેશના આર્થિક વિકાસનો દર 4.6 %, 1996માં 4.4 % અને 1997માં 8.6 % (અપેક્ષિત) હતો. વર્ષ 2000 માટે વિકાસનો દર શૂન્ય ધારવામાં આવ્યો હતો. અહીંનું નાણું 71 પેસો છે.
1999માં દેશમાં 15 રાષ્ટ્રીયકૃત બૅંકો, 78 ખાનગી ક્ષેત્રની બૅંકો અને 24 અન્ય નાણાસંસ્થાઓ હતી.
1995માં કૃષિક્ષેત્રમાંથી આવક મેળવતા લોકોની કુલ સંખ્યા આશરે 38 લાખ જેટલી હતી; જેમાંથી આશરે 15 લાખ કૃષિક્ષેત્રમાં સક્રિય હતી. 1998માં સિંચાઈ હેઠળની જમીનનું કદ 12 લાખ 50 હજાર હેક્ટર જેટલું હતું. મુખ્ય કૃષિપેદાશોમાં સોયાબીન, શેરડી, મકાઈ, ઘઉં, બટાકા, રૂ તથા સૂર્યમુખીનો સમાવેશ થાય છે.
ઔદ્યોગિક ચીજવસ્તુઓની પેદાશોમાં સિમેન્ટ, કાચું પોલાદ, કાચું લોખંડ, ખાંડ, કાગળ, પૉલિથિલીન, ઍલ્યુમિનિયમ, સિંથેટિક રબર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્વયંચલિત વાહનો, ટ્રૅક્ટરો, ટાયરોનો સમાવેશ થાય છે.
1999માં દેશની નિકાસોમાં ખાદ્યપદાર્થો, ઢોરઢાંખર, તૈયાર માલ, યંત્રો તથા વાહનવ્યવહારને લગતાં ઓજારો અને ઉપકરણોનો સમાવેશ થયો હતો, જેમનું મૂલ્ય 23,330 લાખ અમેરિકન ડૉલર હતું. આયાતોમાં યંત્રો; વાહનવ્યવહારનાં સાધનો, ઓજારો અને ઉપકરણો, તૈયાર માલ, રસાયણો અને ખાદ્ય પદાર્થોનો સમાવેશ થયો હતો; જેમનું મૂલ્ય 1999માં 2,55,080 લાખ અમેરિકન ડૉલર હતું.
1990માં દેશની સરકારે ખાનગીકરણની નીતિ અખત્યાર કરી હતી અને તે મુજબ તે વર્ષે 40 જેટલા જાહેરક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. માર્ચ 1991માં કૃષિપેદાશો પરના નિકાસ-કરો નાબૂદ કરવામાં આવ્યા હતા. 1995માં દેશના અર્થતંત્રમાં અલ્પમંદીનાં વલણો દાખલ થયાં હતાં, જે ત્યારપછી પણ ચાલુ રહ્યાં છે.
રાજકીય : રાજધાની, બ્યુનો એરિઝ છે. તેનો વિસ્તાર : 3,07,571 ચોકિમી.. વસ્તી : મેટ્રોપોલિટીન શહેરની વસ્તી આશરે 1,38,23,000 (2010). જ્યારે શહેરની વસ્તી 30,00,000 (2010) છે. આ ઉપરાંત કોર્દોબા, રોસારિયો અને લા પ્લાટા મોટાં શહેરો છે. આર્જેન્ટીનામાં પ્રસારણ-માધ્યમોનું માળખું વ્યાપક છે. જોકે લશ્કરી શાસનની સ્થાપના બાદ અખબારી સ્વાતંત્ર્ય પર અંકુશ આવ્યો હતો. ટેલિવિઝન મથકો ખાનગી માલિકીનાં હોવા છતાં તેમના પર લશ્કરી નિયમનો આવ્યાં હતાં.
સ્પૅનિશ જુઆન સોલીસ આર્જેન્ટીનામાં પગ મૂકનાર પહેલો યુરોપિયન હતો (1516). પછી 1526માં સેબાસ્તિયન ગેબોટ આવ્યો. તેમણે ઇન્ડિયનોના શરીર પર ચાંદીનાં ઘરેણાં જોયાં એટલે સ્પેનને આર્જેન્ટીનાની ચાંદીમાં રસ ઊભો થયો. ‘આર્જેન્ટીના’ નામનો અર્થ પણ ‘ચાંદીનું’ એમ થાય છે.
મેનુએલ બેલ્ગ્રાનોના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યની લડત ચાલ્યા બાદ આર્જેન્ટીના 1816માં સ્વતંત્ર થયું.
ઈ. સ. 1880થી રૂઢિચુસ્તો શાસન પર આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આર્જેન્ટીના તટસ્થ રહ્યું હતું. 1930માં લશ્કરી બળવાએ મુલકી સત્તાધીશોને ઉઠાડી મૂક્યા. 1940ના દાયકાના આરંભમાં જુઆન પેરોં નવા નેતા તરીકે ઊપસ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આર્જેન્ટીના તટસ્થ રહ્યું હતું. પણ પછીથી માર્ચ 1945માં જર્મની સામે તેણે યુદ્ધ જાહેર કર્યું હતું. 1946માં જુઆન પેરોં પ્રમુખ તરીકે ચૂંટાયા, 1955માં લશ્કરી દબાણ હેઠળ દેશમાંથી તેઓ નાસી છૂટ્યા. 1973માં પરત આવ્યા અને ફરીથી દેશના પ્રમુખ બન્યા. 1974માં તેમનું અવસાન થતાં તેમનાં પત્ની મારિયા માર્તિનેઝ પેરોં પ્રમુખ બન્યાં. ભારે આર્થિક વિટંબણાઓ અને રાજકીય અસ્થિરતાઓની વચ્ચે લશ્કરી ટોળકીએ 1976માં તેમને પદભ્રષ્ટ કર્યાં. ત્યારબાદ આ લશ્કરી ટોળકીએ માર્ચ 1976માં લેફ્. જનરલ જૉર્જે રાફેલ વિદેલા, માર્ચ 1981માં લેફ્. જનરલ રૉબર્ટો એડ્યુઆર્ડો વાયોલા, ડિસેમ્બર 1981માં લેફ્. જનરલ લિયોપોલ્ડો ગાલ્ટેરી અને જુલાઈ 1982માં મેજર જનરલ રૉનાલ્ડો બિગ્નોનને પ્રમુખપદે નિયુક્ત કર્યા હતા. આર્જેન્ટીનાએ 2-4-1982ના રોજ ફૉકલૅન્ડ ટાપુઓ પરનો પોતાનો સદીજૂનો દાવો પ્રસ્થાપિત કરવા માટે આક્રમણ કરીને તેનો કબજો મેળવ્યો, પરંતુ બ્રિટને પ્રતિઆક્રમણ કરીને છ સપ્તાહ પછી તે ફરીથી કબજે કર્યા. ગાલ્ટેરીએ આથી રાજીનામું આપ્યું.
બિગ્નોને 1973 બાદ પહેલી જ વાર રાષ્ટ્રવ્યાપી ચૂંટણી યોજતાં 10-12-1983ના રોજ ધંધે વકીલ એવા રાઉલ આલ્ટ્રોન્સીન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. આલ્ટ્રોન્સીને રાજકીય અને આર્થિક ક્ષેત્રમાંથી લશ્કરનો પ્રભાવ ઘટાડવા પગલાં ભર્યાં. તેમણે માનવઅધિકારોની પુન:સ્થાપના, લશ્કરી-ઔદ્યોગિક સંકુલ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવા અને લશ્કરી શાસકોના અત્યાચારો ખુલ્લા પાડી લોકતાંત્રિક વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો કર્યા. જોકે 1984-85 દરમિયાન ફુગાવાનો દર 27.5 % જેટલો ઊંચો રહ્યો હતો અને મજૂરોની વ્યાપક હડતાળો પડી હતી. ચિલી સાથે સરહદી પ્રશ્ને સંધિ થયેલી, પરંતુ ફૉકલૅન્ડના ટાપુઓના પ્રશ્ન અંગે બ્રિટન સાથેની મડાગાંઠ ચાલુ રહી હતી.
22 ઑગસ્ટ, 1994માં આ દેશે નવું બંધારણ સર્વાનુમતિથી સ્વીકાર્યું. જેમાં પ્રમુખની સત્તાઓ ઘટાડવામાં આવી હતી. તેની ધારાસભા ‘નૅશનલ કૉંગ્રેસ’ નામ ધરાવે છે. તેને બે ગૃહ છે. ઉપલું ગૃહ ‘સેનેટ’ તરીકે અને નીચલું ગૃહ ‘ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝ’ તરીકે ઓળખાય છે. સેનેટ 72ની સભ્યસંખ્યા ધરાવે છે જ્યારે ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝ 255 સભ્યોની સંખ્યા ધરાવે છે. 18 કે તેથી વધુ વયના નાગરિકોના પુખ્તવયમતાધિકાર દ્વારા આ ગૃહ ચૂંટાય છે.
હેમન્તકુમાર શાહ