આર્જેન્ટાઇટ (Argentite : Silver Glance) : ચાંદીનું મહત્વનું ખનિજ. રાસાયણિક બંધારણ : Ag2S (સિલ્વર સલ્ફાઇડ, ચાંદી 87.1 %, ગંધક 12.9 %). સ્ફટિક વર્ગ : આઇસોમેટ્રિક. સ્ફટિકો મોટે ભાગે ઑક્ટાહેડ્રલ તેમજ ક્યૂબિક સ્વરૂપોવાળા હોય છે, ક્યારેક વિરૂપ આકારવાળા, ક્યારેક જાલાકાર રેખાઓવાળા કે તંતુમય, ક્વચિત્ જથ્થામય કે આવરણ તરીકે પણ મળે. રંગ : કાળાશ પડતો સીસા જેવો, રાખોડી. ચૂર્ણરંગ : ચમકતો રાખોડી. સંભેદ : ક્યૂબિક, અંશાત્મક રહોમ્બડોડેકાહેડ્રલ. ભંગસપાટી : નાનાં વલયસ્વરૂપોમાં પૂર્ણ શાખાકારી (branching). કઠિનતા : 2 થી 2.5. વિ. ઘ. : 7.20થી 7.36. ચળકાટ : ધાત્વિક. ચપ્પુ વડે સરળતાથી કાપી શકાવાની બાબતમાં તે અન્ય સલ્ફાઇડથી જુદું પડી આવે છે.
તે ગેલેના, સ્ફેલેરાઇટ, સોનું, કોબાલ્ટ, નિકલ વગેરેની સાથે મળી આવે છે. યુ.એસ., મેક્સિકો, પેરુ, ચિલી, આટાકામા, જર્મની, ચેકૉસ્લોવૅકિયા, નૉર્વે તથા સાર્ડિનિયામાં આર્જેન્ટાઇટ મળે છે.ભારત દુનિયાભરમાં ચાંદીનું મોટું ગ્રાહક હોવા છતાં ત્યાં આર્જેન્ટાઇટનું ખાસ ઉત્પાદન થતું નથી. કોલાર સુવર્ણક્ષેત્રમાંથી તેમજ ઝાવરની સીસાની ખાણોમાંથી સંલગ્ન(associated) સ્થિતિમાં તે થોડુંક મળે છે.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ