આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા (બિહાર; સ્થાપના 1917) : પુરાતત્વીય ઉત્ખનનમાંથી મળેલા અવશેષોનો સંગ્રહ. મગધના પ્રાચીન પાટનગર રાજગૃહ તથા તેના ઉપનગર નાલંદા, બોધિગયા, દિનાજપુર અને આસપાસનાં અન્ય સ્થળોએ કરેલ ઉત્ખનનમાંથી મળી આવેલાં સંખ્યાબંધ પાષાણશિલ્પો અને ધાતુશિલ્પો અહીં પ્રદર્શિત કરાયાં છે.
માટીની પકવેલી શિલ્પકૃતિઓ (terracotta), મૃત્પાત્રો, વિવિધ સિક્કાઓ અને મુદ્રાઓ મુખ્ય વિભાગમાં સચવાયાં છે. વળી, હિંદુ તથા બૌદ્ધ પ્રતિમાવિજ્ઞાનના વૈવિધ્યસભર નમૂનાઓની પ્રતિમાઓ જેવી કે અવલોકિતેશ્વર, લોકેશ્વર, જાંભાલ, તારા, પ્રજ્ઞાપારમિતા, મરીચિ અને વસુંધરાની પ્રતિમાઓ અહીં જોવા મળે છે. શિલ્પકૃતિઓમાં ખાસ કરીને પાલશૈલીનું પ્રમાણ નોંધપાત્ર છે. પાલશૈલીનાં શિલ્પોમાં ગુપ્તકાળની કળાનો પ્રભાવ પ્રતીત થાય છે. માનવઆકૃતિનાં શરીર અને શૃંગારની સ્પષ્ટ અભિવ્યક્તિમાં કમલાકાર નેત્રો અને જાડા હોઠની વિશેષતા ધ્યાનપાત્ર છે. વળી યશોવર્મન અને વિપુલશ્રી મિત્રનાં તામ્રપત્રો અને શિલાલેખો પણ મહત્વનાં છે.
નાલંદામાંથી મળેલ નવમી સદીની બોધિસત્ત્વ પદ્મપાણિની અને દસમી સદીની વજ્રસત્વની પ્રતિમાઓ મૂર્તિવિધાનની દૃષ્ટિએ સુંદર છે.
બળદેવભાઈ કનીજિયા