આર્કિયૉપ્ટેરિસ (Archaeopteris) : પર્ણિકાઓ ઉપર બીજ જેવી રચના ધારણ કરતી અશ્મીભૂત (fossil) ત્રિઅંગી વનસ્પતિની પ્રજાતિ (genus).
આ વનસ્પતિ કૅનેડા, માઇન, ન્યૂયૉર્ક, પેનસિલવેનિયા અને આયર્લૅન્ડના કલ્કેની પરગણામાંથી અપર ડિવોનિયન (3,450 લાખ વર્ષ પૂર્વે) ખડકોમાંથી મળી છે. અસમ બીજાણુતાની ઉત્પત્તિ અને વિકાસ દર્શાવતી આ વનસ્પતિ ત્રિઅંગીના સમબીજાણુવાળી સિલોફાઇટેલિસ અને લોઅર કાર્બોનિફેરસની અનાવૃત બીજધારી વનસ્પતિનું ગોત્ર ટેરિડોસ્પર્મેલિસને જોડતી કડીરૂપ છે.
બીજ(seed)નું ઉત્પત્તિસ્થાન અસમબીજાણુતા (heterospory) માં છે. તેના અનુસંધાનમાં બીજાણુતા દર્શાવતું આર્કિયૉપ્ટેરિસનું પર્ણ ઘણા જ આદ્ય ડિવોનિયન ખડકોમાંથી મળેલ છે. તેને આધારે તે લઘુ અને મહાબીજાણુતાને પણ સાંધતી કડીરૂપ છે અને તેમાં જ તેનું ઉદગમસ્થાન રહેલું છે એમ કહી શકાય.
Callixylon નામની કૉર્ડેઇટેક્સ ગોત્રની આરક્ષિત(reserved) જીવાશ્મ-પ્રજાતિના પ્રકાંડના ખંડો આર્કિયૉપ્ટેરિસનાં પર્ણો સાથે ગાઢ રીતે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.
સરોજા કોલાપ્પન