આર્કિગ્રામ (1961) : સ્થાપત્યની નૂતન વિચારસરણી ધરાવતું યુવાન બ્રિટિશ સ્થપતિઓનું એક જૂથ. 1961માં બ્રિટનની સ્થાપત્યશાળાઓના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓના વિચારમંથનમાંથી એક જ વિચારસરણી ધરાવતા ‘આર્કિગ્રામ’ નામના જૂથનો જન્મ થયેલો. તે વિચારસરણીનો પહેલો ગ્રંથ આર્કિટેકચરલ ટેલિગ્રામ તરીકે પ્રકાશિત થયેલો (1961), તેના પરથી આર્કિગ્રામ નામ પ્રચલિત થયેલું. આ યુવાનોનાં જૂથો રીજન્ટ સ્ટ્રીટ પૉલિટૅકનિક, આર્કિટેકચરલ તથા ઍસોસિયેશન સ્કૂલમાંથી તથા બ્રિસ્ટલ અને બાર્ટલેટની સ્થાપત્યશાળાઓમાંથી ઉદભવેલાં. આર્કિગ્રામ જૂથના સભ્ય-સ્થપતિઓની વિચારશૈલી મહદ્અંશે અમેરિકાના બકમિન્સ્ટર કુલરની તંત્રજ્ઞ વિચારધારા (technocratic ideology) સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી હતી. આર્કિગ્રામની ત્યારપછીની વિચારધારા ‘હાઈ-ટૅક’ અને ‘હાઇટ-વેઇટ’ પર ભાર મૂકે છે, જે આંતરિક માળખાને લગતી બાબતો પર નિર્ભર છે. આને લઈને તેમના સ્થાપત્યમાં અસામાન્ય આયોજન અને ફક્ત વૈજ્ઞાનિકતાનો જ આભાસ આવ્યો; સમાજની જરૂરિયાતો અને તેને અનુકૂળ સ્થાપત્યરચનાઓને ઓછું મહત્વ મળ્યું. કદાચ આને લઈને જ આ વિચારધારાને અનુસરતા સ્થપતિઓને વ્યાપક સફળતા ન મળી. આ વિચારધારાને સમાંતર જાપાનના મેટાબૉલિસ્ટ ગ્રૂપને ગણી શકાય. તેણે ત્યાંના વાતાવરણને અનુરૂપ યોજનાઓ ઘડી અને સાગર પર તરતી નગરીઓ માટેની પણ રચનાઓ એક વધતી જતી વિકાસની માંગને પહોંચી વળવાના ઉકેલ રૂપે બહાર પાડેલી. જીવંત નગર નામના પ્રદર્શનમાં આર્કિગ્રામના સભ્યોએ શહેરી સંસ્કૃતિની નીપજની ઉપયોગિતા વિશે ખ્યાલ આપ્યો. આ ખ્યાલ પ્રત્યે રૂઢિગત અભિગમ ઘૃણાપૂર્ણ રહેલો. આર્કિગ્રામના સભ્યોએ આ શહેરી જીવનનાં પ્રતિરૂપ તરીકે સ્પેસમૅન, સુપરમૅન, રૉબોટમૅન અને સ્ત્રીઓને સ્થાપત્યમાં આધુનિક અંગ રૂપે ઘટાવ્યાં. તેમના મંતવ્ય પ્રમાણે શહેર એ સ્થૂલ સ્થાપત્ય નહોતું પણ લોકજીવનની ઝાંખી કરાવતું જીવંત કેન્દ્ર હતું. તેઓના મત પ્રમાણે આવાં અનેકવિધ કેન્દ્રોનો સમૂહ જ શહેરને જીવંત રૂપ આપતો હતો. તે રીતે વપરાશની દૃષ્ટિએ એક ઘર, આખું શહેર અથવા તો ખાદ્યવસ્તુનું પડીકું સમાન હતાં. આર્કિગ્રામના સભ્યોએ આ પ્રદર્શન દ્વારા સ્થાપત્યની વ્યાખ્યાનો વ્યાપક અર્થ સ્થાપ્યો અને શહેરી સંસ્કૃતિની નીપજ અને સ્થળના સ્થાપત્ય વચ્ચેનો સંબંધ સાંકળી આપ્યો. આ સમયગાળામાં (1963-65) આર્કિગ્રામને દુનિયાભરમાં ખ્યાતિ મળી. તેના સભ્યોએ શહેરોનું આયોજન કર્યું તે મુજબ શહેર કમ્પ્યૂટર જેવાં અથવા તો ટેલિસ્કોપની ઘોડી જેવાં થાંભલાઓ પર ઊભેલાં અથવા તો અસંખ્ય ફુગ્ગાઓની બનેલી દરિયાઈ નગરી જેવાં લાગ્યાં.
એક રીતે જોતાં આમાંનું કશું ખાસ નવીન નહોતું. કારણ કે આર્કિગ્રામે આ બધાં પ્રતિરૂપો(images)ને જુદાં જુદાં ક્ષેત્રોમાંથી એકઠાં કરીને સ્થાપત્યમાં આયોજિત કરેલાં હતાં. પુરાણી વસ્તુઓના સમૂહ દ્વારા તે બધાં જ પ્રતિરૂપોનું એક લાક્ષણિક સંયોજિત રૂપ ખડું થતું હતું એટલું જ.
આર્કિગ્રામની મુખ્ય શક્તિનો સ્રોત તેના તાજગીભર્યા યુવા-થનગનાટમાં હતો. નગરરચના વિષયમાં ઘણા સમયથી આ ક્ષેત્ર પર આધેડ વયસ્કોનો જ અધિકાર હતો. મુખ્યત્વે આ નવી વિચારશૈલી પ્રતિકૃતિની ભૂખી દુનિયાને ભવિષ્યના શહેરની નવી વિભાવના આપવા શક્તિમાન નીવડી છે. શહેરી ઘટકોને ક્રેન મારફત તેના સ્થાન પર રખાય એવા ભવિષ્યના શહેરની કલ્પના આ યુવાજૂથે આપી છે.
રવીન્દ્ર વસાવડા