આર્કટ : ભારતના તમિળનાડુ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 120 50´ ઉ. અ. અને 790 16´ પૂ. રે. તે રાજ્યના ઈશાન ભાગમાં વેલ્લોર જિલ્લાના આર્કટ તાલુકામાં પાલાર નદી પર આવેલું છે. જે સમુદ્રની સપાટીથી 164 મી. જળ ઊંચાઈએ સ્થિતિ છે. જેનો વિસ્તાર 13.64 ચો. કિ. મી. છે. કોરોમાંડલ કિનારાનો મેદાની ભાગ અને પાલાર નદી-ખીણ જ્યાં મળે છે એવા મોકાના સ્થાને તે વસેલું હોવાથી તેમજ મૈસૂર ઘાટ અને જાવડી ટેકરીઓ વચ્ચેના ચેન્નાઈ-બૅંગાલુરુ માર્ગ પર આવેલું હોવાથી તેનું મહત્વ વધી જાય છે. આજે તે વેપારના કેન્દ્ર તરીકે તથા વાણિજ્યમથક તરીકે વિકસ્યું છે. અહીં આવેલી કેટલીક કબરો અને અન્ય ઐતિહાસિક સ્મારકો જોવાલાયક છે.

મુસ્લિમ નવાબોના શાસનકાળ વખતે તે અહીંના વિસ્તારનું પાટનગર હતું. 17મી અને 18મી સદીમાં આર્કટ શહેર મુસ્લિમ, ફ્રેન્ચ, મરાઠા અને અંગ્રેજ વચ્ચેની અનેક લડાઈઓનું કેન્દ્ર રહ્યું હતું. તે પછીથી ક્રમશ: બ્રિટિશ, ફ્રેન્ચ અને હૈદરઅલીની હકૂમત હેઠળ રહેલું. વીસમી સદીના ઉત્તરાર્ધ-કાળમાં અહીંથી 30 કિમી. પશ્ચિમ તરફ આવેલું વેલ્લોર વિકસ્યું છે અને આર્કટનું સ્થાન વેલ્લોરે લીધું છે. આર્કટની વસ્તી 69,331 (2011) છે.

હેમન્તકુમાર શાહ