આરોહી અને અવરોહી પાતબિન્દુઓ : ચન્દ્ર, ગ્રહ યા ધૂમકેતુની દક્ષિણથી ઉત્તર તરફ જતાં ક્રાન્તિવૃત્તને જે બિન્દુમાં કાપે તે આરોહી પાતબિન્દુ અને તેનાથી ઊલટી દિશામાં જતાં કાપે તે અવરોહી પાતબિન્દુ. સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને ધૂમકેતુઓ આકાશમાં જે માર્ગે ફરતા દેખાય છે તે તેમના કક્ષામાર્ગ છે. સૂર્યના વાર્ષિક આકાશી માર્ગને ક્રાન્તિવૃત્ત કહેવામાં આવે છે. સૂર્ય અને ચન્દ્રની કક્ષાઓ અલગ અલગ છે. એ બંનેની વચ્ચે 50નો ખૂણો થાય છે. ગ્રહો અને ધૂમકેતુઓની કક્ષાઓ પણ ક્રાન્તિવૃત્ત સાથે ખૂણા કરે છે.
ખૂણો કરવાને કારણે ચન્દ્ર, ગ્રહ અને ધૂમકેતુની કક્ષા ક્રાન્તિવૃત્તને બે બિન્દુઓમાં કાપે છે. આ બિન્દુઓ વ્યાસાભિમુખ હોઈ એકબીજાંથી 1800ના અંતરે સામસામી દિશામાં આવેલાં છે.
ક્રાન્તિવૃત્ત અને ચન્દ્રકક્ષા વચ્ચેના ખૂણાને કારણે ચન્દ્ર યા સૂર્યપાતથી અમુક અંતરે હોય તો ગ્રહણનો યોગ રહે છે. ચન્દ્રગ્રહણ માટે પૃથ્વી અને સૂર્ય સાથે ચન્દ્ર પ્રતિયુતિમાં (પૂર્ણિમા) હોવો આવશ્યક છે, જ્યારે સૂર્યગ્રહણ માટે પૃથ્વી અને ચન્દ્ર સાથે સૂર્ય યુતિમાં (અમાસ) હોવો જરૂરી છે.
પૂનમના દિવસે ચંદ્રનું પાતિક અંતર 9.50થી ઓછું હશે તો તેનું ગ્રહણ થશે પણ એ અંતર 12.10થી વધુ હશે તો ચન્દ્રગ્રહણ નહિ થાય.
અમાસના દિવસે સૂર્યનું પાતિક અંતર 15.40થી ઓછું હશે તો સૂર્યગ્રહણ થશે પણ એ અંતર 18.50થી વધુ હશે તો સૂર્યનું ગ્રહણ નહિ થાય.
આ સિવાય ચન્દ્રનું પાતિક અંતર 9.50થી 12.10ની વચ્ચેનું હોય તો, તેમજ સૂર્યનું પાતિક અંતર 15.40થી 18.50 વચ્ચેનું હશે તો, પૃથ્વી, સૂર્ય અને ચન્દ્રની સાપેક્ષ સ્થિતિઓના હિસાબે ચન્દ્રનું તેમજ સૂર્યનું ગ્રહણ થવાનું સંભવી શકે.
કક્ષામાં ફરતા બુધ અને શુક્ર ગ્રહો કોઈ પાત નજદીક હોવા ઉપરાંત પૃથ્વી અને સૂર્ય સાથે યુતિમાં હશે તો તેમના દ્વારા સૂર્યબિંબ પર કાળા તલકાના રૂપનું ‘અધિક્રમણ’ ગ્રહણ થશે.
પંચાંગોમાં સૂર્યચન્દ્રનાં આકાશી સ્થાન દર્શાવવા સાથે રાહુ(પાત)નું પણ આકાશી સ્થાન દર્શાવવામાં આવે છે.
છોટુભાઈ સુથાર