આરુદ્ર (જ. 31 ઑગસ્ટ 1925, વિશાખાપટનમ્; અ.4 જૂન 1998, ચેન્નાઈ) : તેલુગુ સાહિત્યકાર. મૂળ નામ બી. એસ. શાસ્ત્રી. ઉપનામ આરુદ્ર. તેમની કૃતિ ‘ગુરજાડ ગુરુપીઠમ્’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ વિશાખાપટનમ્ ખાતે થયું હતું. ‘ભારત છોડો’ આંદોલનના પરિણામ રૂપે તેમનું ઔપચારિક શિક્ષણ અધૂરું રહ્યું. થોડો વખત રૉયલ ઇન્ડિયન ઍર ફૉર્સમાં રહ્યા બાદ, તેમણે 1947 થી 1948 દરમિયાન લોકપ્રિય તેલુગુ સાપ્તાહિક ‘આનંદવાણી’ના સંપાદનકાર્યથી તેમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. 1949માં કથાલેખક, પટકથાલેખક, સંવાદલેખક તથા ગીતકાર તરીકે તેમણે ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો.
વિપુલ સર્જન કરનાર આ સાહિત્યકારે તેલુગુમાં 27 ઉપરાંત પુસ્તકો લખ્યાં છે. તેમાં કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાના સંગ્રહો, સંશોધનલક્ષી નિબંધો તેમજ ‘સંપૂર્ણ રામાયણ’ અને ‘બાલભારતમ્’ જેવી જાણીતી પૌરાણિક ફિલ્મોની પટકથાઓ અને ગીતોનો સમાવેશ થાય છે. ‘સમગ્ર આંધ્ર સાહિત્યમ્’ એ તેલુગુ સાહિત્યનો 16 ગ્રંથો (તેના 12 ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે)માં લખાયેલો ઇતિહાસ છે અને એ તેમનું તેલુગુ સાહિત્યને કરેલું ઉત્તમ પ્રદાન મનાય છે. તેલુગુભાષી લોકોની સંસ્કૃતિ તથા તેમના ઇતિહાસ વિશે 20 ગ્રંથો તૈયાર કરવા માટેની હૈદરાબાદના ઇન્ટરનેશનલ તેલુગુ ઇન્સ્ટિટ્યૂટની ઉચ્ચ કક્ષાની સમિતિના તેઓ સભ્ય રહેલા.
પુરસ્કૃત કૃતિમાં આધુનિક તેલુગુ સાહિત્યના પિતામહ ગુરજાડ વિશે લખેલા વિવેચનાત્મક નિબંધો છે. મૌલિકતા, વિશ્લેષણાત્મક અભિગમ તથા વિદ્વત્તાપૂર્ણ વિવેચન જેવી વિશેષતાઓને કારણે આ કૃતિ પુરસ્કારપાત્ર લેખાઈ હતી.
મહેશ ચોકસી