આરા, કૃષ્ણ હવલાજી (જ. 16 એપ્રિલ 1914, બોલારુમ, સિકંદરાબાદ; અ. 30 જૂન 1985, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. જન્મ આંધ્ર રાજ્યના હૈદરાબાદ પાસે આવેલા બોલારમમાં. પિતા મોટર-ડ્રાઇવર હતા અને કૃષ્ણની દસ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. માતા તો કૃષ્ણની ત્રણ વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી. સહાનુભૂતિ ધરાવતા એક શિક્ષકે કૃષ્ણ આરાનો કલાપ્રેમ જોઈ તેમને સહાય કરી. તે મુંબઈ આવ્યા. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈ તેમણે જેલવાસ પણ ભોગવ્યો. કલાશિક્ષકની પરીક્ષામાં પાસ થયા અને 1940થી કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે તેમનાં ચિત્રોનું પ્રથમ વ્યક્તિગત પ્રદર્શન 1942માં મુંબઈમાં યોજ્યું. 1944માં તેમને ‘મહાન મહારાષ્ટ્ર યુદ્ધ’ નામના ચિત્ર માટે ગવર્નરનું પારિતોષિક મળ્યું. 1950માં તેમણે ‘સ્ટિલ લાઇફ’-પદાર્થચિત્રોનું પ્રદર્શન ભર્યું. 1952માં તેમને કલા માટે બૉમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક એનાયત થયો. 1961માં તેમણે બલ્ગેરિયા અને યુરોપીય દેશોનો પ્રવાસ ફ્રાન્સની સરકારના મહેમાન કલાકાર તરીકે કર્યો. 1961માં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન યોજી રાષ્ટ્રીય સુરક્ષા ફાળામાં રૂ. 10,500 આપ્યા. 1963માં તેમણે દોરેલાં ‘નગ્નાકૃતિ’ ચિત્રોનું પ્રદર્શન યોજાયું. 1964માં તેમની 50મી જન્મજયંતી ‘જશ્ને આરા’ તરીકે ઊજવાઈ. લલિત કલા અકાદમીએ આરા વિશે સચિત્ર પુસ્તિકા 1965માં પ્રસિદ્ધ કરી હતી. આરાએ વિવિધ અદાઓમાં સ્ત્રીઓની નગ્નાકૃતિઓ આલેખી છે. તેમણે વિવિધ શૈલીઓમાં અનેક વિષયો પર ચિત્રોનું આલેખન કર્યું છે.
કૃષ્ણવદન જેટલી