આરતી : षोडशोपचारपूजा-સોળ ઉપચારોવાળી પૂજાનો એક ભાગ. ઉપચાર એટલે સેવાપ્રકાર. ‘આરતી’ શબ્દ સંસ્કૃત ‘आरात्रिक’, ‘आर्तिक्य’ કે ‘आर्तिक’ શબ્દ પરથી બન્યો છે. હિન્દુ ધર્મના ભક્તિ-સંપ્રદાયમાં પૂજાવિધિના અંતભાગમાં એક ખાસ પાત્રમાં પાંચ અથવા એકી સંખ્યામાં ઘીના દીવા પ્રકટાવી ઇષ્ટની પ્રતિમા સમક્ષ તે પાત્રને ઘડિયાળના કાંટાની દિશામાં, વચ્ચે વચ્ચે અટકીને, ગોળ ગોળ ફેરવવામાં આવે છે એ વિધિને આરતી અથવા આરતી ઉતારવી કહે છે. દીવામાં ઘીની સાથે કપૂર પણ રાખવામાં આવે છે. આરતી સવારે, સાંજે અથવા બંને સમયે કરવામાં આવે છે અને તે વખતે મંજીરાં, કરતાલ, ઢોલ આદિ વાદ્યો વગાડવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં દિવસ દરમિયાન દરેક ભોગ પ્રસંગે આરતી ઉતારવામાં આવે છે. વળી ઇષ્ટની સ્તુતિ-વંદનારૂપ આરતીનું ગીત પણ ગાવામાં આવે છે. આરતી મંદિરમાં તેમજ ઘેર પણ કરવામાં આવે છે. મંદિરમાં પૂજારી કરે છે અને અન્ય જનો ઊભાં ઊભાં તાલી સહિત આરતીગાન કરે છે. ઘેર કોઈ પણ વ્યક્તિ આરતી ઉતારી શકે છે. ઇષ્ટની પ્રતિમાના પ્રત્યેક અંગ સમક્ષ પગથી શરૂ કરી ક્રમશ: આરતી ઉતારવામાં આવે છે. પ્રત્યેક અંગ સમક્ષ આરતી ઉતારવાની સંખ્યા સંસ્કૃત વિધિગ્રંથોમાં ભિન્ન ભિન્ન દર્શાવવામાં આવી છે. આમ છતાં સાત વાર આરતી ઉતારવાનું વિધાન સામાન્યતયા સ્વીકારવામાં આવ્યું છે. આરતી પૂરી થયા પછી ‘આશકા’ લેવામાં આવે છે, એટલે કે ભક્ત આરતીની ઝાળ ઉપર બન્ને હાથ ફેરવી પોતાને માથે, આંખે, મુખે, છાતીએ અડાડે છે. આશકા દ્વારા ઇષ્ટની આશિષ લેવામાં આવે છે. ઇષ્ટને ધરાવવામાં આવેલાં ફળ, મિષ્ટાન્ન આદિ આરતીને અંતે પ્રસાદ રૂપે, એટલે કે ઇષ્ટની કૃપાના પ્રતીક રૂપે, ઉપસ્થિત ભક્તજનો અલ્પ માત્રામાં આરોગે છે. ઇષ્ટદેવ ઉપરાંત દીક્ષાગુરુની આરતી પણ ઉતારવામાં આવે છે. ગુરુ સિવાય અન્ય કોઈ મનુષ્ય-વ્યક્તિની આરતી ઉતારવાનો રિવાજ ગુજરાતમાં સામાન્ય રીતે પ્રચલિત નથી.

ગુજરાતમાં પ્રચલિત આરતીગીતોની કેટલીક આરંભિક પંક્તિઓ આ પ્રમાણે છે – (1) જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ, (2) જય આદ્યા શક્તિ મા ! જય આદ્યા શક્તિ, (3) જય હરિ હરા પ્રભુ જય હરિ હરા, (4) ૐ જય શિવ ઓમકારા, (5) જય જગદીશ હરે.

આરતી

આરતી Vol. 2.7

જૈન દેરાસરોમાં અથવા ઘરદેરાસરોમાં જ્યાં પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ હોય ત્યાં સાંજે તીર્થંકરની આરતી ઉતારવામાં આવે છે. આરતીનો વિધિ લગભગ હિન્દુ ધર્મના વિધિ જેવો જ હોય છે; જોકે ત્યાં પ્રસાદનો રિવાજ નથી. બધા તીર્થંકરો માટે પ્રચલિત આરતીગીત એક જ હોય છે, જેની આરંભિક પંક્તિ આ પ્રમાણે છે – જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મારુદેવીકા નન્દા.

ગુજરાતી ભાષામાં શિવાનંદ સ્વામી આરતીઓના કવિ તરીકે જાણીતા છે. તેમની આરતીઓમાં હરિ, હર અને આદ્યા શક્તિની આરતીઓ મુખ્ય છે. તેમાં દેવ-દેવીનાં સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે છે. સમૂહમાં ગવાતી હોવાથી આરતીનું ગાન મંદિર કે ઘરમાં ભક્તિનું વાતાવરણ જમાવે છે.

મકરન્દ બ્રહ્મા