આરણ્યુ : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગવાતી લોકદેવીની પરંપરાગત પ્રશસ્તિ. ચામુંડા, કાળકા, ખોડિયાર, શિકોતર, મેલડી વગેરે લોકદેવીઓ કાંટિયાવરણ, લોકવરણ વગેરેમાં કુળદેવી તરીકે પૂજાય છે. આ દેવીઓનું સ્થાપન ઘર-ઓરડામાં કે સ્વતંત્ર મઠમાં થાય છે.
નવરાત્રમાં આ લોકજોગણીઓને તેનો ‘પોઠિયો’ (ભૂવો) સંધ્યાટાણે ધૂપદીપથી જુહારે છે. એ વખતે નવેનવ નોરતે કુળ-પરંપરાનો રાવળિયો જોગી દેવીની ‘ખડખડ્ય’ (આરણ્ય-પ્રશસ્તિ) ખાટલી ઉપર બેસીને ડાકલી વગાડતો વગાડતો ગાય છે.
‘આરણ્યુ’ એ પ્રાકૃત શબ્દ ‘आरण’ (દેવલોક-વિશેષ) પરથી બનેલો છે. લોકપરંપરામાં અમુક લોકદેવીઓની ગેય પ્રશસ્તિનો એ લોકસાહિત્યપ્રકાર છે; જેમ કે, અંબા, ભવાની, બહુચરાના ગરબા છે; રાંદલ, ખોડલની માંડવડી છે; તેવી જ રીતે શિકોતર, મેલડી, ચામુંડા વગેરે લોકદેવીઓની પ્રશસ્તિ તે ‘આરણ્યુ’ છે. એ આરતરૂપ પ્રાર્થના કે વિનવણી છે. તે દુહા, સોરઠા જેવી બબ્બે પંક્તિઓની હોય છે. તેનું ગાન લોકદેવીઓની સામે તેનો જોગી રાવળિયો માત્ર નવરાત્ર કે દેવીના ‘માંડલા’ વખતે ડાકલું ઢમકારી, દાંડી પીટીને કરે છે.
લોકદેવીઓની અંગત પરંપરામાં દરેક લોકદેવીની આવી ‘આરણ્યુ’ હોય છે. મેલડી, શિકોતર, ચામુંડા, ખોડિયાર વગેરેની આરણ્યુનું ગાન જોગી કે રાવળિયા સિવાય બહુ ઓછા કરે છે. બે નમૂના :
1. નિર્ધનિયું સૂવે નીંદરભર્યું, જેને પેટ ભર્યાનું કાજ,
એક ના સૂવે વસ્તાર વનું, (જેને) સવા શેર માટીનું કાજ.
2. ઘણું જીવો નર માઢુડો, ઘણું જીવો દેવી પૂજનાર,
જુગ જુગ જીવજો દેડીયું, પૂતર પારણાં બંધાર.
ખોડીદાસ પરમાર