આરણ્યક (1938) : વિભૂતિભૂષણ બંદોપાધ્યાયરચિત બંગાળી નવલકથા. અરણ્યની પ્રકૃતિના પરિવેશમાં આ નવલકથાની રચના થઈ છે. પ્રકૃતિ સાથેના માનવીના આત્મીય સંબંધની તથા તેના ઘેરા પ્રભાવની આ કથા છે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો માનવના જીવન પર કેટલી અને કેવી પ્રબળ અસર કરે છે તે નાયકના અરણ્યના નિરીક્ષણ તથા તેના દૃષ્ટિપરિવર્તન દ્વારા દર્શાવ્યું છે.
‘આરણ્યક’નો નાયક બેકાર યુવક છે. એને રસ્તામાં એના કૉલેજજીવનનો એક મિત્ર મળી જાય છે. તે બિહારનાં ગીચ જંગલોનો માલિક છે અને કોઈ એ જંગલોની દેખરેખ રાખી શકે એવા માણસની શોધમાં છે. એ મિત્રને વીનવે છે. નાયક બિહારનાં જંગલોમાં જાય છે. આરંભમાં એને અરણ્યની એકાકિતા અકળાવે છે, પણ પછી અરણ્યનાં વિવિધ રૂપોની એને મોહની લાગે છે. આમ ‘આરણ્યક’ એ અરણ્યવિષયક કાવ્યાત્મક નવલકથા છે. એમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું દર્શન માનવમાં કેવી અલૌકિક અનુભૂતિ પ્રગટાવે છે તેનું હૃદયંગમ આલેખન છે. સાથે અરણ્યવાસીઓના જીવનનું પણ દર્શન છે. તેમાં પ્રકૃતિ અને માનવનો સુભગ સમન્વય આલેખ્યો છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ આ કૃતિના ભારતની જુદી જુદી ભાષામાં અનુવાદો કરાવીને પ્રગટ કર્યા છે.
ચન્દ્રકાન્ત મહેતા