આયોનિયન (પ્રજા) : આ નામે ઓળખાતા પ્રાચીન ગ્રીસનિવાસીઓ. એશિયા માઇનોર(અનાટોલિયા)ના પશ્ચિમ કિનારા પર હરમુસ (Hermus) તથા મેઇન્ડર (Maeander) નદીઓની વચ્ચેની સાંકડી પટ્ટીનો ભૂભાગ આયોનિયા નામથી ઓળખાય છે. પૂર્વના વતની એશિયાવાસીઓ તો બધી જ ગ્રીક પ્રજાને આયોનિયન પ્રજા તરીકે ઓળખતા રહ્યા છે. ડૉરિયનોના આક્રમણથી પોતાનો બચાવ કરવા માટે ઈ. સ. પૂ. આશરે 1,000 મા વર્ષે મૂળ ગ્રીસની આ પ્રજાએ એટિકા તથા અન્ય મધ્ય ગ્રીક પ્રદેશોમાંથી સ્થળાંતર કર્યું હતું અને એશિયા માઇનોરના અત્યંત ફળદ્રૂપ ગણાતા આયોનિયા નામના વિસ્તારમાં વસ્યા હતા.
વિશ્વસનીય ઐતિહાસિક પુરાવા મુજબ સાગરકાંઠાનાં બાર બંદરોના બનેલા તેમના સંઘ(league)માં કલા, વિજ્ઞાન તથા વ્યાપારનો વિકાસ થયો હતો. મોટા ભાગના ગ્રીક વિચારકોએ આ પ્રજાને ગ્રીસની આદિવાસી પ્રજા તરીકે ગણાવેલી હોવા છતાં હોમરની ‘Hymn to Apollo’ નામની સુવિખ્યાત કૃતિમાં એક મહાન અને સમૃદ્ધ પ્રજા તરીકે આયોનિયનોનો ઉલ્લેખ સાંપડે છે. ગ્રીક ભાષા તથા સાહિત્યમાં આ પ્રજાનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું, એટલું જ નહીં પરંતુ મહાન ઍલેક્ઝાંડરના સમય પછીના ઘણા લાંબા સમય સુધી એટિક આયોનિક ભાષા મોટા ભાગના ગ્રીક સાહિત્યનું સર્વસામાન્ય માધ્યમ બની હતી. બાઇબલના નવા કરારની સંહિતા (New Testament) પણ આ જ ભાષામાં લખાઈ છે. છઠ્ઠી સદીમાં આ પ્રદેશના બૌદ્ધિક જીવન પર આયોનિયન પ્રજાની તર્કસંગત વિચારસરણીનો વ્યાપક પ્રભાવ હતો. ગ્રીક દર્શન તથા ઇતિહાસલેખનનો પાયો નાંખવામાં, ભૂગોળ તથા પ્રકૃતિનો અભ્યાસ હાથ ધરવામાં, પદાર્થ તથા બ્રહ્માંડના સંશોધનમાં તેમજ શિલ્પ, સ્થાપત્ય અને કાંસાની મૂર્તિઓના સર્જનના ક્ષેત્રમાં આયોનિયન પ્રજાએ ઉલ્લેખનીય પ્રગતિ કરી હતી. વારંવાર થતાં બાહ્ય આક્રમણો તથા તેને લીધે બદલાતા શાસકોનો ભોગ બનેલો આ પ્રદેશ મધ્યયુગમાં ઑટોમન સામ્રાજ્ય હેઠળ આવરી લેવામાં આવ્યો ત્યાં સુધી તેનાં નગરો મહત્વનાં આર્થિક તથા સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે ઊપસતાં રહ્યાં હતાં. તુર્કોના આક્રમણ પછી જ આયોનિયન પ્રજાની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને અસ્મિતાનો લોપ થયો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે