આયોડિન (આયુર્વિજ્ઞાન) : શરીરમાં રહેલા કુલ આશરે 20થી 25 મિગ્રા. (157-197 માઇક્રોમોલ) જેટલા આયોડિનમાંનું લગભગ બધું જ આયોડિન ગલગ્રંથિ(thyroid gland)માં હોય છે. તે ગલગ્રંથિના અંત:સ્રાવો ઉત્પન્ન કરવામાં વપરાય છે. સામાન્ય માણસને દરરોજ 15૦ માઇક્રોગ્રામ (1.18 માઇક્રોમોલ) આયોડિનની અથવા 197 માઇકોગ્રામ પોટૅશિયમ આયોડાઇડની જરૂર પડે છે. આયોડિન ધરાવતા મુખ્ય આહારી પદાર્થોને સારણી-1માં દર્શાવ્યા છે.
યૌવનારંભ (puberty), ઋતુસ્રાવકાળ, સગર્ભાવસ્થા તથા ઠંડા વાતાવરણમાં આયોડિનની જરૂરિયાત વધે છે.
ઔષધ રૂપે થાયૉસાઇનેટ્સ કે પરકોલેટ લેવાય તો આયોડિનની ઊણપ થાય છે. ખોરાકમાંના દ્વિદળી દાણા (beans), બીટ, કોબિજ, ગાજર, પીચ (peach), પાલક, સ્ટ્રૉબેરી તથા સલગમ (turnip) વગેરે વધુ પ્રમાણમાં લેવાતાં રહે તો તે આયોડિનના શરીરમાંના ઉપયોગમાં અડચણ કરીને ગલગંડનો વ્યાધિ કરે છે.
સારણી–1 : કેટલાક ખાદ્ય પદાર્થોમાં આયોડિનનું પ્રમાણ
ખાદ્ય પદાર્થ |
આયોડિનનું પ્રમાણ |
|
|
માઇક્રોગ્રામ/કિગ્રા. |
માઇક્રો મેટલ્સ |
દરિયાઈ ખોરાક |
3૦૦-3૦૦૦ |
2.36-23.6 |
તાજા પાણીની માછલી |
2૦-4૦ |
૦.16૦.32 |
તાજાં ફળ |
1૦-2૦ |
૦.૦8૦.16 |
તાજાં શાકભાજી (પાલક સિવાય) |
1૦-5૦ |
૦.૦8-૦.39 |
પાલક |
2૦૦ |
1.58 |
ધાન્ય (cereals) |
2૦-4૦ |
૦.16-૦.32 |
માંસ |
2૦-4૦ |
૦.16-૦.32 |
દૂધ |
2૦-4૦ |
૦.16-૦.32 |
ઈંડાં |
9૦ |
૦.7 |
દરિયાઈ મીઠું |
1-1૦ |
૦.૦૦8-૦.૦8 |
આયોડિનયુક્ત મીઠું |
76,૦૦૦ |
598 |
તેની ઊણપને કારણે નેપાળ, ભૂતાન, સિક્કિમ વગેરે પર્વતીય પ્રદેશોમાં ગલગંડ (goitre) તથા ગલગ્રંથિન્યૂનતા(hypothyroidism)નો રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પર્વતાળ જમીનમાં આયોડિન નહિવત્ હોય છે. તેથી ત્યાંની ખેતપેદાશમાં પણ તેનું પ્રમાણ નહિવત્ હોય તે દેખીતું છે. તેના કારણે આ પ્રદેશના લોકોમાં આયોડિનની ન્યૂનતા (ઊણપ) વર્તાય છે. યૌવનારંભ (puberty) કાળે કુમારિકાઓની ગલગ્રંથિ મોટી થાય છે. તેને યૌવનારંભ ગલગંડ (puberty goitre) કહે છે. ગર્ભના વિકાસમાં 14મા અઠવાડિયાથી ત્રીજા (છેલ્લા) ત્રિમાસિક ખંડ(trimester)માં મગજના વિકાસ વખતે આયોડિનની જરૂર રહે છે. તેની ઊણપમાં અલ્પગલગ્રંથીય વામનતા (cretinism) અને બધિર-મૂકતા (deaf-mutism) એટલે કે બહેરાશ અને તેથી થતું મુગાપણું જોવા મળે છે. અગાઉ આ પ્રકારના વિકારોનું કારણ પ્રોટીનોનો-કુપોષણ (protein caloric malnutrition) ગણાતું હતું. આયોડિનની ઊણપથી થતા વિકારોમાં મૃતશિશુજન્મ (still birth), ગર્ભપાત, જન્મજાત કુરચનાઓ, વસ્તીસ્થાયી (endemic) અલ્પગલગ્રંથીય વામનતા તથા માનસિક ક્રિયાઓના વિકાસમાં ઘટાડો જોવા મળે છે. ખાવાના મીઠામાં 1,૦૦,૦૦૦માં 1 ભાગ આયોડિન ઉમેરવાથી આ ખામી દૂર થઈ શકે છે. આ ભલામણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કરેલી છે અને ઘણા દેશોમાં આયોડિનયુક્ત મીઠાની વપરાશ માટે કાયદાઓ પણ કરવામાં આવ્યા છે. ભારતદેશમાં ખાવાના મીઠામાં આયોડિન ફરજિયાતપણે ઉમેરવા અંગે કરાયેલા સરકારી હુકમોએ ઘણો વિવાદ સર્જ્યો છે અને તેથી તે આયોડિનયુક્ત મીઠાનો વપરાશ મરજિયાત ધોરણે કરાય છે. મીઠામાં આયોડિન ઉમેરવાને કારણે તેના ઉત્પાદનનું યાંત્રિકીકરણ થાય છે અને તેથી મીઠું પકવતા કામદારોની આજીવિકાની તથા ધંધા-રોજગારીની સમસ્યા ઉદભવશે તેવો અંદેશો છે. વળી જેટલો પ્રચાર કરાય છે તેટલા પ્રમાણમાં આયોડિનની ઊણપથી થતા વિકારો છે એ વાતને પણ વિવાદપૂર્ણ ગણવામાં આવે છે.
આયોડિનનું દ્રાવણ અથવા સોડિયમ અને પોટૅશિયમ આયોડાઇડ જેવાં સંયોજનો ગલગ્રંથિની શસ્ત્રક્રિયા પહેલાં તથા અતિગલગ્રંથિ-સ્રાવસંકટ(thyrotoxic crisis)ની સારવારમાં ખૂબ ઉપયોગી છે. પોટૅશિયમ આયોડાઇડ શ્વાસનળીમાં જામેલો કફ છૂટો પાડવા માટે ખાંસીના કફોત્સારક (expectorant) ઔષધમિશ્રણમાં પણ વપરાય છે. આયોડિનનું આલ્કોહૉલ(સ્પિરિટ)માં બનાવેલું દ્રાવણ ટિંક્ચર આયોડિન, જીવાણુનાશક તરીકે શસ્ત્રક્રિયા પહેલાં ચામડીને જીવાણુરહિત બનાવવા માટે અકસીર છે.
ફ્રાન્સમાં 1839માં સૌપ્રથમ ટિંક્ચર આયોડિનને જીવાણુનાશક તરીકે વાપરવામાં આવ્યું હતું. અમેરિકાના અંત:વિગ્રહ(civil war)માં પણ યુદ્ધ-ઘા(war-wound)ની સારવારમાં તે વપરાયું હતું. તેની જીવાણુનાશક કાર્યરીતિ પૂરેપૂરી સમજાયેલી નથી. તે સાદા તેમજ કવચધારી જીવાણુઓ(spores)નો ખૂબ જ મંદ સાંદ્રતામાં પણ ઝડપથી નાશ કરે છે. તેમાં 1 % આયોડિન અને 7૦ % આલ્કોહૉલ અથવા 2 % આયોડિન અને 2 % સોડિયમ આયોડાઇડ હોય છે. આયોડિન (5 %) અને પોટૅશિયમ આયોડાઇડ(1૦ %)ના પાણીમાંના દ્રાવણને લ્યુગોલનું દ્રાવણ કહે છે. તે ગલગ્રંથિના રોગોમાં આગળ જણાવ્યું તેમ વપરાય છે. આયોડિનવાળાં ઇંજેક્શનો આંખના કાચરસમાં લોહી ઝમે ત્યારે આપવામાં આવે છે. આયોડિનનાં પૉલિવિનાઇલ પાયરોલિડૉનમાં બનાવેલાં મલમ તથા દ્રાવણ નવીન પ્રકારના જીવાણુનાશક (પૉલિડોન-આયોડિન) તરીકે ઉપયોગી બન્યાં છે. તેનાથી ચરચરાટ થતો નથી. આયોડિનના વિકિરણધર્મી સમસ્થાનિકો (radioactive isotopes, I-131, I-125, I-123) ગલગ્રંથિઅતિસ્રાવતા (hyperthyroidism) અને ગલગ્રંથિ-કૅન્સરનાં નિદાન અને સારવારમાં ઉપયોગી છે. હાલમાં આ માટે મુખ્યત્વે I-131 વપરાય છે.
આયોડિન લાંબો સમય આપવાથી ગલગ્રંથિન્યૂનતા, અનિદ્રા અને ખિન્નતા (depression) ઉત્પન્ન થાય છે. આયોડિનની અતિસંવેદનશીલતા(hypersensitivity)ને કારણે નાક ગળવું, માથું દુખવું, ચામડી પર ફોલ્લા પડવા વગેરે થાય છે. વધુ પ્રમાણમાં આયોડિન લેવાથી તેની ઉગ્ર વિષાક્તતાને લીધે મોં, જઠર અને આંતરડાની દીવાલ ખવાઈ જાય છે, તેથી જઠરમાં જો કાંજી (સ્ટાર્ચ) હોય તો ભૂરા રંગની ઊલટી અને ઝાડા થાય છે; શરીરમાં પાણી ઘટે છે અને રુધિરદાબ (blood pressure) ઘટી જાય છે ત્યારે સ્ટાર્ચના દ્રાવણથી જઠરને નળી દ્વારા સાફ કરવું અને લોહીનું દબાણ જાળવી રાખવું એ તેની મુખ્ય સારવાર છે. સ્ટાર્ચને બદલે 5 % સોડિયમ થાયૉસલ્ફેટ કે પ્રોટીન પણ વપરાય છે.
શિલીન નં. શુક્લ
ભરત કાં. શાહ