આયાતપેઢી (Indent House) : સ્થાનિક આયાતકારોને વિદેશોમાંથી આયાતમાલ મેળવી આપવાની સેવાઓ પૂરી પાડતી પ્રતિનિધિ પેઢી. આયાતપેઢી એક દેશના આયાતકારો પાસેથી આયાતમાલ અંગેની વરદી (ઑર્ડર) એકત્રિત કરે છે. તેમાં આયાતમાલનું સંપૂર્ણ વિગતવાર વર્ણન-જથ્થો, કિંમત, ચુકવણીની શરતો, પૅકિંગ, માર્કિગ, વહન સંબંધી સૂચના, વીમા-વ્યવસ્થા, આયાત-બંદર, આયાતનો સમય વગેરે માહિતીનો સમાવેશ થાય છે. એ માહિતીને આધારે આયાતપેઢીઓ વહાણવટીઓ (shippers) અગર વિદેશી ઉત્પાદકો મારફતે આયાત-માલ પ્રાપ્ત કરવાની વ્યવસ્થા કરે છે. આયાતપેઢી એક દેશના આયાતકારો અને બીજા દેશના નિકાસકારો વચ્ચેની સાંકળની કડી રૂપે સેવાઓ આપે છે, જેના બદલામાં તેને હકસાઈ દલાલી પ્રાપ્ત થાય છે. આવી પેઢી પોતાના હિસાબે અને જોખમે માલનો કોઈ જથ્થો ધરાવતી નથી; પરંતુ માત્ર મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે.
વિદેશવ્યાપારની રીતિ-વિધિઓ તથા પ્રણાલિકાઓથી મોટા ભાગના આયાતકારો અપરિચિત હોય છે, તેમાંના ઘણાખરા વિદેશી ભાષાઓમાં પત્રવ્યવહાર કરી શકતા નથી. આયાત-માલની પ્રત્યક્ષ સુયોગ્ય પસંદગી, ત્વરિત વહનવ્યવસ્થા, તેમજ વીમાવ્યવસ્થા અને શાખવ્યવસ્થા કરવામાં આયાતકારો મુશ્કેલીઓ અનુભવે છે. આયાત-માલના વહન દરમિયાન માલના નાશ, ચોરી, તોડફોડ કે નુકસાનમાંથી ઉદભવતી સમસ્યાઓના અસરકારક ઝડપી ઉકેલ અંગે આયાતકારો પરિચિત ન પણ હોય. આયાતપેઢીઓ આ બધી જ સમસ્યાઓને તેમના જ્ઞાન અને અનુભવને આધારે સરળતાથી અને ઝડપથી હલ કરી શકે છે અને એ રીતે તેઓ આયાતકારોને ઉપયોગી બની શકે છે.
વિદેશી બજારોમાં પ્રવર્તતી અદ્યતન પરિસ્થિતિથી આયાતપેઢીઓ માહિતગાર હોય છે અને તેમના દ્વારા તેનો લાભ આયાતકારોને મળી શકે છે. કેટલાક વિદેશી ઉત્પાદકો આયાતકારો સાથે નાના જથ્થાની નિકાસ માટે સીધો અને પ્રત્યક્ષ સંબંધ સ્થાપવાનું ટાળે છે, ત્યારે આયાતપેઢી તે બંને વચ્ચે સાંકળની મહત્વની કડી બની રહે છે. આવી પેઢીઓ સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી વિદેશી નિકાસકારો તેમને પોતાના અધિકૃત પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરતા હોય છે.
રોહિત ગાંધી