આયાતપત્ર (Bill of Entry) : આયાત-વ્યાપારની પ્રક્રિયાના મહત્વના અંગ રૂપે આયાત-જકાતની વિધિમાંથી આયાત-માલને પસાર કરાવવા માટેનો દસ્તાવેજ. આયાત-પત્ર એક જાહેરાતના સ્વરૂપમાં હોય છે અને તેમાં આયાત-માલ અંગેની વિગતવાર માહિતી-માલનું વર્ણન, જથ્થો, મૂલ્ય, નિકાસકારનું નામ તથા સરનામું, જહાજનું નામ વગેરે દર્શાવવાનાં હોય છે. સામાન્ય રીતે તેની ત્રણ નકલો તૈયાર કરવાની હોય છે.
આયાત-માલ જકાતપાત્ર હોય અગર ન હોય. જો તે જકાતપાત્ર હોય તો જકાતની ગણતરી જથ્થાનુસાર (ad-quantum) અથવા મૂલ્યાનુસાર (ad-valorem) હોઈ શકે. વળી, આયાત-માલ આયાતકાર દેશની આંતરિક વપરાશ માટે અથવા તો પુન: નિકાસ માટે હોઈ શકે.
આયાત-જકાત વિધિને સરળ અને ઝડપી બનાવવા માટે ત્રણ પ્રકારનાં આયાતપત્ર હોય છે :
(1) જકાતમુક્ત માલ માટેનું આયાતપત્ર,
(2) જકાતપાત્ર માલ માટેનું આયાતપત્ર, અને
(3) આયાત-માલને જકાત ભરીને છોડાવે નહિ ત્યાં સુધી જકાતખાતાની વખારમાં રોકી રાખવા માટેનું આયાતપત્ર.
વહીવટી સરળતા માટે ત્રણેય પ્રકારનાં આયાતપત્રો જુદા જુદા રંગના કાગળ ઉપર અથવા જુદા જુદા રંગની શાહીથી છાપવામાં આવેલાં હોય છે. આયાતપત્રમાં આપેલી વિગતોને આધારે જકાત-અધિકારીઓ જકાતપાત્ર આયાત-માલ ઉપર વસૂલ કરવાપાત્ર જકાતની રકમની ગણતરી કરે છે અને તે આયાતકાર પાસેથી વસૂલ લીધા બાદ આયાતપત્ર ઉપર જરૂરી સહી-સિક્કા કરી આપે છે. આવા આયાતપત્રને આધારે આયાતકાર, આયાત-માલનો કબજો મેળવી શકે છે.
રોહિત ગાંધી