આયાત : દેશના વપરાશ માટે પરદેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ મંગાવવી તે. આંતરિક વપરાશને પહોંચી વળવા માટે જ્યારે કોઈ દેશ વિદેશમાં બનેલી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરે છે ત્યારે ખરીદનાર દેશમાં દાખલ થતી આવી વસ્તુઓ કે સેવાઓમાં તે દેશની આયાત બને છે. આયાત અને નિકાસ આ બે આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં અનિવાર્ય પાસાં છે. સામાન્ય રીતે આયાત જે તે વસ્તુ કે સેવાની આંતરિક અછતનો નિર્દેશ કરે છે, તો નિકાસ તેની છતનો નિર્દેશ કરે છે. આયાત થતી વસ્તુઓ અને સેવાઓના મૂલ્યની ચુકવણી નિકાસ દ્વારા કરી શકાય છે અને તેથી આયાત અને નિકાસ આ બંને એક જ સિક્કાની બે બાજુઓ ગણાય.
આયાત માટે ઘણાં કારણો જવાબદાર હોય છે : (1) કોઈ વસ્તુ કે સેવાનું દેશમાં ઉત્પાદન કરવા માટે જરૂરી સાધનો કે અનુકૂળ સંજોગો ઉપલબ્ધ ન હોય. દા.ત., કાચો માલ, કૌશલ્ય, શ્રમ, મૂડી, આબોહવા વગેરે. આવા સંજોગોમાં તે વસ્તુ કે સેવાની આંતરિક માંગ આયાત દ્વારા પૂરી કરી શકાય છે. (2) કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે દેશમાં સાધનો ઉપલબ્ધ હોય છતાં અન્ય દેશ પાસેથી તે ઓછી કિંમતે પ્રાપ્ત કરી શકાય તેમ હોય તો દેશમાં તેના ઉત્પાદનનો આગ્રહ રાખવાને બદલે તેની આયાત કરવી આર્થિક દૃષ્ટિએ ઇષ્ટ અને બુદ્ધિગમ્ય ગણાય. જુદા જુદા દેશો વચ્ચે આ પ્રકારના ખર્ચ-તફાવત માટે કુદરતી સાધન-વહેંચણી (factor endowment) તથા સાધન-સંયોજનનાં સ્તર અને ગુણવત્તા કારણભૂત હોય છે. આમ, ખર્ચ-તફાવત આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મુખ્ય પરિબળ છે. (3) કેટલીક વાર ટૂંકા ગાળાના આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે પણ આયાતો અનિવાર્ય બને છે. દા.ત., દુકાળ, યુદ્ધ વગેરે.
આયાત અને નિકાસ-વ્યાપારનું સાપેક્ષ મૂલ્ય દેશની વ્યાપારતુલા તથા લેણદેણની તુલાનું બંધારણ તથા સ્વરૂપ નક્કી કરે છે. નિકાસ-વ્યાપારના મૂલ્ય કરતાં આયાત-વ્યાપારનું મૂલ્ય જે ગાળામાં વધારે હોય છે તે ગાળા માટે દેશની વ્યાપારતુલા ખાધ દર્શાવે છે. આવી ખાધ દીર્ઘકાલીન બને તો દેશની લેણદેણમાં અસમતુલા ઊભી થતી હોય છે. ભારત જેવા વિકાસમાન દેશને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, કારણ કે વિકાસની પ્રક્રિયા દરમિયાન તેને વપરાશી ચીજવસ્તુઓ ઉપરાંત વિકાસલક્ષી ઉપકરણો, સાધનો તથા તેના છૂટક ભાગો(spare parts)ની મોટા પાયા પર આયાત કરવી પડે છે. વિકસિત દેશોની વ્યાપારતુલા તથા લેણદેણની તુલા સામાન્ય રીતે અધિશેષ (surplus) દર્શાવતી હોય છે, કારણ કે તેમના કિસ્સામાં આયાત-મૂલ્ય કરતાં નિકાસ-મૂલ્ય વધારે હોય છે.
આવશ્યક ચીજવસ્તુઓની આંતરિક માંગને પહોંચી વળવા માટે આયાતોનો આશ્રય લેવામાં આવે તથા આર્થિક વિકાસનો દર વધારવા માટે વિકાસલક્ષી આયાતો કરવામાં આવે ત્યારે તે આર્થિક કલ્યાણ માટે પોષક ગણાય છે. છતાં વપરાશી ચીજવસ્તુઓની આયાતો કરતાં વિકાસલક્ષી આયાતો દેશ માટે વધુ ઉપકારક ગણાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે