આયર સરોવર : ઑસ્ટ્રેલિયા ખંડના દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના મધ્ય ઉત્તર ભાગમાં આવેલું ખારા પાણીનું વિશાળ સરોવર. ભૌગોલિક સ્થાન : 29° 00´ દ. અ. અને 137° 50´ પૂ. રે. આ સરોવર બે ભાગમાં વહેંચાયેલું છે. ઉત્તર ભાગ 145 કિમી. લાંબો અને 64 કિમી. પહોળો છે, જ્યારે દક્ષિણ ભાગ 61 કિમી. લાંબો અને 26 કિમી. પહોળો છે. તેનો કુલ વિસ્તાર 9,583 ચોકિમી. જેટલો છે. તે સમુદ્રસપાટી કરતાં 12 મીટર જેટલી નીચી સપાટીએ રહેલું હોવાથી તે સમગ્ર ઑસ્ટ્રેલિયા ખંડમાં સૌથી નીચો ભાગ ગણાય છે. તેની આસપાસનો પ્રદેશ પાતાળકૂવાઓ અને ખારાપાટનો થાળા-વિસ્તાર છે. અહીં માત્ર 127 મિમી. જેટલો ઓછો વરસાદ પડતો હોવાથી તે સુકાઈ જાય છે. બાષ્પીભવનથી તેની તળસપાટી પર 4.5 મીટર જાડી ક્ષારપોપડી બની રહે છે; પરંતુ જ્યારે પણ ખૂબ વરસાદ પડે છે ત્યારે તે ભરાઈ જાય છે. 1949, 1950, 1973 અને 1974માં ભારે વરસાદ પડવાથી તે ભરાઈ ગયેલું.
આ વિસ્તારમાં વહેતી બાર્કુ, નીલ્સ, વૉરબર્ટન, માકુમ્બા, માર્ગારેટ જેવી નદીઓ આયર સરોવરમાં ઠલવાય છે. આયર સરોવરની આજુબાજુમાં આવેલાં અન્ય સરોવરોમાં ગાર્ડિનર, ગ્રેગરી, ઇવરાર્ડ, ટૉરેન્સ અને બ્લૅન્ચ મુખ્ય છે. અહીંનો સમગ્ર વિસ્તાર શુષ્ક હોવા છતાં વર્ષાઋતુ દરમિયાન તેમાં પાણીનું પ્રમાણ સારું રહે છે, પરંતુ બાષ્પીભવનની તીવ્રતાને કારણે તે બધાં ખારા પાણીનાં સરોવરો બની રહેલાં છે.
1840માં બ્રિટનમાં જન્મેલા અભિયંતા ઍડવર્ડ જૉન આયરે તે શોધી કાઢેલું. તેથી 1860માં તેને ‘આયર સરોવર’ નામ અપાયેલું છે.
મહેશ મ. ત્રિવેદી