આયર, મેજર વિન્સેન્ટ ( જ. 22 જાન્યુઆરી 1811 પૉર્ટ્ડાઉન, પૉર્ટ્સમાઉથ; અ. 22 સપ્ટેમ્બર 1881 ફ્રાંસ) : બંગાળના અંગ્રેજ તોપખાનાના અફસર. 1828માં નિયુક્તિ પામતાં ભારત આવ્યા. 1839–42 દરમિયાન કાબૂલ પર અંગ્રેજોએ કરેલા આક્રમણમાં સક્રિય ભાગ લીધો. ત્યારબાદ બંગાળથી બદલી કરીને તેમને બર્મા (મ્યાનમાર) મોકલવામાં આવ્યા. ભારતમાં 1857નો પ્રથમ સ્વાધીનતા સંગ્રામ શરૂ થતાં તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા. આવતાંની સાથે જગદીશપુરના કુંવરસિંહનો સામનો કરી તેમને પરાજિત કર્યા. ત્યાર પછી તેઓ લખનૌ ગયા અને ત્યાં 1858માં અંગ્રેજોને વિજયી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. 1863માં નિવૃત્ત થઈ સ્વદેશ પાછા ફર્યા.
પ્રવીણચંદ્ર પરીખ