આયર્સ રૉક : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલી વિશાળ કદની ખડક વિવૃતિ. તે એલિસ સ્પ્રિંગ્ઝથી નૈર્ઋત્યમાં આશરે 450 કિમી.ને અંતરે રેતીના ઢૂવાથી બનેલાં મેદાનોમાં આવેલી છે. અહીંની તળભૂમિથી તેની ઊંચાઈ 335 મીટર જેટલી છે, પરંતુ સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 867 મીટરની છે. તેની લંબાઈ 2.4 કિમી.થી વધુ અને પહોળાઈ 1.6 કિમી. જેટલી છે, તેના તળભાગ આગળનો ઘેરાવો 8 કિમી. જેટલો છે.
સ્થૂળ રેતીખડકથી બનેલો આ ભાગ સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન લાલ રંગની ચમક દર્શાવે છે. વાસ્તવમાં આ આખોય રેતીખડક જાડાઈવાળો અને ઉગ્ર નમનવાળો છે; એટલું જ નહિ, તે કૅમ્બ્રિયન વયનો આર્કોઝ (ફેલ્સ્પારધારક રેતીખડક) છે. તે રેતીના મેદાની ભાગથી નીચે તરફ પણ વિસ્તરેલો છે. આજે તે ઘસારાજન્ય સપાટીવાળો દેખાય છે.
આયર્સ રૉકનું અહીંનું સ્થાનિક નામ ‘ઉલુરુ’ (રાક્ષસી કદનો ગોળાશ્મખડક) અહીંના મૂળ વતનીઓએ પાડેલું. તેમણે તેના પર ગુફાચિત્રો દોરીને સુશોભિત બનાવેલો છે. અભિયંતા અર્ન્સ્ટ ગિલ્સે તેને 1872 માં જોયેલો. બીજા અભિયંતા વિલિયમ ગ્રાઉસે 1878 માં તેની મુલાકાત લીધેલી અને દક્ષિણ ઑસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન સર હૅન્રી આયર્સના માનમાં તેને ‘આયર્સ રૉક’ નામ આપ્યું.
ગિરીશભાઈ પંડ્યા