આમ્રપાલી (ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : વૈશાલી નગરીની પ્રસિદ્ધ નર્તકી. ઉદ્યાનમાં આમ્રવૃક્ષ નીચેથી તે મળી આવી હતી. તેને ઉદ્યાનના માળીએ ઉછેરી હતી. તેના યૌવનની પૂર્ણકળાએ તેના સૌન્દર્યને પામવા લિચ્છવી રાજપુત્રો અંદરોઅંદર લડવા લાગ્યા; પરંતુ વૈશાલીમાં કાયદો હતો કે સૌન્દર્યવતી યુવતીએ નગરવધૂ બનવું અને અપરિણીત રહેવું. પરિણામે આમ્રપાલી લોકરંજન માટે અપરિણીત રહીને નગરવધૂ બની. મગધનો રાજા બિંબિસાર વૈશાલીમાં આવીને આમ્રપાલી સાથે એક સપ્તાહ રહ્યો હતો. પરિણામે આમ્રપાલીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. તેનું નામ અભય પાડ્યું હતું. એક દિવસ ભગવાન બુદ્ધ વૈશાલીમાં પધાર્યા ત્યારે આમ્રપાલી તેમના દર્શનાર્થે ગઈ અને પોતાને ત્યાં જમવા આવવાનો બુદ્ધ ભગવાનને આગ્રહ કર્યો. બીજાઓનાં આમંત્રણો નકારીને ભગવાને આમ્રપાલીને ત્યાં ભોજન લીધું. આમ્રપાલીએ ત્યારબાદ એક વિહાર બંધાવી બૌદ્ધ સંઘને ભેટ આપ્યો. આ પ્રસંગોનો પાલિ ત્રિપિટકમાં ઉલ્લેખ છે. ઘણાં વર્ષો પછી આમ્રપાલી પોતાના પુત્રના ઉપદેશથી જ્ઞાન પ્રાપ્ત કરીને, સંસારનો ત્યાગ કરીને ભગવાન બુદ્ધના શરણમાં ભિક્ષુસંઘની એક ઉત્તમ કોટિની ભિક્ષુણી બની હતી.
આમ્રપાલીને અનુલક્ષીને ગુજરાતી સહિત વિવિધ ભાષાઓમાં અનેક નાટકો, નવલકથાઓ, કાવ્યો વગેરે રચાયેલાં છે.
પ્રિયબાળાબહેન શાહ