આમાન (અમાન) : જૉર્ડનનું પાટનગર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 320 ૦૦´ ઉ. અ. અને 360 ૦૦´ પૂ. રે.. તે મૃત સમુદ્રથી ઈશાનમાં 40 કિમી.ને અંતરે જૉર્ડનના ઉત્તર ભાગમાં, જબલ અજલૂન પર્વતોની પૂર્વ સરહદે વસેલું છે.
આ શહેરની મોટા ભાગની ઇમારતો ટેકરીઓ પર આવેલી છે. શહેરના મુખ્ય માર્ગ ટેકરીઓની વચ્ચેથી પસાર થાય છે. અહીં સરકારી ઇમારતો, મસ્જિદો અને ચર્ચ આવેલાં છે. આ શહેર જૂના વેપારી માર્ગો પર આવેલું છે અને તે મુખ્ય વેપારી મથક બની રહેલું છે. અહીં આવેલાં કારખાનાંઓમાં ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન લેવાય છે, તેથી તે ઔદ્યોગિક મથક પણ છે. આ કારણે તે મધ્ય પૂર્વના મુખ્ય ઐતિહાસિક વેપારી માર્ગોને જોડતું પરિવહનકેન્દ્ર પણ છે.
ઈ. સ. પૂ. 4,000 થી 3,000 ના ચાલ્કોલિથિક સમયગાળામાં અમાન પાસે કોઈ વસાહત હોવાનું મનાય છે, તે વખતની કિલ્લેબંધીવાળી વસાહતોના જૂના અવશેષો અહીંથી મળે છે. ત્યારે તે રબ્બાહ નામથી ઓળખાતું હોવાનું કહેવાય છે. બાઇબલમાં સેમિટિક લોકોનો વારંવાર ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સંભવિતપણે તે આ સમયગાળાનો હોઈ શકે. તે પછીની કેટલીક સદીઓ પૂરતું આ સ્થળનું મહત્વ ઘટી ગયું જણાય છે. ઇજિપ્તના રાજા ટૉલેમી બીજા ફિલાડેલ્ફસે (ઈ. પૂ. 285-246 ) તેને ફિલાડેલ્ફિયા નામ આપેલું, જે બાયઝેન્ટાઇન અને રોમન યુગ દરમિયાન ચાલુ રહેલું. રોમનોએ તેને ફરી બાંધેલું, તેમના શાસનકાળના કેટલાક ભગ્નાવશેષો હજી જળવાયેલા જોવા મળે છે. તે પછી ઇસ્લામનો ઉદય થતાં ઈ. સ. 635માં આરબોએ તે લઈ લીધેલું. આરબોના સમયમાં તે રબ્બાથ-અમાન નામથી ઓળખાતું હતું અને અમોનાઇટ લોકોનું પાટનગર હતું. તે ઓલ્ડ ટેસ્ટામેન્ટના સ્થળ પર બાંધવામાં આવેલું. ડૅવિડ અને જોઆબની દોરવણી હેઠળ ઇઝરાયલીઓએ તેને કેવી રીતે કબજે કરેલું તેનાં પણ વર્ણનો છે. પછીથી ગ્રીકો, અરબ મુસ્લિમો અને તુર્કોએ પણ આ શહેર કબજે કરેલું.
તે પછી ઈ. સ. 1,300 સુધી તેની કોઈ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થતી નથી. 1878માં ઑટોમન તુર્કોએ આ સ્થળ પર રશિયન આશ્રિતોને વસાવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ સુધી તો તે એક નાનકડું ગામ માત્ર હતું. 1921માં અમાન ટ્રાન્સજૉર્ડનના નવા રાજ્યનું પાટનગર બન્યું. 1948-49ના આરબ-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન પૅલેસ્ટાઇનવાસી આરબો મોટી સંખ્યામાં અહીં આવ્યા હતા. 1949માં ટ્રાન્સજૉર્ડને તેનું નામ બદલીને જૉર્ડન રાખ્યું. 1967ના છ દિવસના ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન જૉર્ડને જૉર્ડન નદીની પશ્ચિમે આવેલા પ્રદેશો ગુમાવ્યા ત્યારે નિર્વાસિતોનો પ્રશ્ન અમાન શહેરમાં વધુ વિકટ બન્યો હતો. 1970માં પૅલેસ્ટાઇનવાસીઓ અને જૉર્ડન સરકાર વચ્ચેના આંતરવિગ્રહમાં અમાન શહેરને ભારે નુકસાન થયું હતું.
આજના અમાનમાં શાહી મહેલ પૂર્વ ભાગમાં છે, જ્યારે સંસદભવન પશ્ચિમ ભાગમાં આવેલું છે. 1962 માં સ્થપાયેલી જૉર્ડન યુનિવર્સિટીનું મુખ્ય મથક અમાન ખાતે છે. આજના અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ખાદ્યપ્રક્રમણ, તમાકુપ્રક્રમણ, કાપડ-ઉદ્યોગ, કાગળ-પેદાશો, પ્લાસ્ટિક અને ઍલ્યુમિનિયમનાં વાસણોના એકમોનો સમાવેશ થાય છે. શહેરની બહારના ભાગોમાં વિદ્યુતબૅટરીઓ અને સિમેન્ટનાં કારખાનાં આવેલાં છે. અમાન આજે જૉર્ડનનું મુખ્ય પરિવહન-કેન્દ્ર બની રહેલું છે. તેની પૂર્વ તરફ જૂના હેજાઝ રેલમાર્ગ નજીક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં એક પ્રાચીન નગરદુર્ગ, પુરાતત્વીય સંગ્રહાલય અને વિશાળ નાટ્યગૃહ-(ઍમ્ફિથિયેટર)નો સમાવેશ થાય છે. 2010 મુજબ અમાનની વસ્તી 27,73,479 જેટલી હતી.
હેમન્તકુમાર શાહ
ગિરીશભાઈ પંડ્યા