આમરી : સિંધુ નદીને કિનારે આવેલા પ્રાચીન સંસ્કૃતિના ટીંબા. નન્દિગોપાલ મજુમદારે 1929માં અને કેસલે 1959-62 સુધીમાં સિંધુ નદીને કિનારે આવેલા આમરીના ટીંબામાં ઉત્ખનનો કર્યાં હતાં. તે હાલ પાકિસ્તાનમાં છે. તેમાંથી મળેલા અવશેષો એ તામ્રાશ્મયુગના હોવાનું અને આશરે ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીના હોવાનું દર્શાવે છે.
આમરીના પ્રાચીન ટીંબાઓમાંથી મળેલાં માટીનાં વાસણો સિંધમાં બલૂચિસ્તાનની ટેકરીઓ સુધી વિસ્તરેલા પ્રદેશમાંથી મળે છે. અહીંથી મળતા લાંબા પીળાશ પડતા રંગના ભૌમિતિક ચિત્રોવાળા પ્યાલાઓ પર ચોરસ, અર્ધગોળ આકૃતિઓ ચીતરેલી મળે છે. લાલ પટ્ટા પર કાળા રંગે ચીતરેલાં આ વાસણોની સાથે મળતાં બીજાં વાસણો સૌથી પ્રથમ વાર અહીંથી મળેલાં હોવાથી તેમને આમરી સંસ્કૃતિનાં વાસણો કહે છે.
આ સ્થળે ચર્ટ(chert)નાં ઓજારો મોટે ભાગે વપરાતાં. તેની સાથે તાંબાનાં ઓજારો પણ મળ્યાં છે. અહીં મકાનો ભડદાં અર્થાત્ કાચી ઈંટનાં બનાવવામાં આવતાં હતાં અને ભૂમિદાહમાં શરીરના કેટલાક ભાગો દાટવામાં આવતા હતા. આમરીમાંથી માટીનાં રમકડાં મળ્યાં નથી.
આ સંસ્કૃતિના થરોની ઉપર સિંધુ નદીની સંસ્કૃતિના થર મળ્યા છે. તેથી આ સંસ્કૃતિ વધારે જૂની હોવાનું સમજાય છે. સિંધુ નદીની સંસ્કૃતિની ઉપર બીજી સંસ્કૃતિના થરો હતા.
ર. ના. મહેતા