આબુ : રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ ગિરિમથક. તેનું ગુરુશિખર સમુદ્રની સપાટીથી 1,722 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ આવેલું છે.
આબુ પર્વત 240 36´ ઉ. અક્ષાંશ અને 720 45´ પૂ. રેખાંશ પર આવેલ છે. અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ આ પર્વતની લંબાઈ આશરે 3 કિમી. અને પહોળાઈ 10 કિમી. જેટલી છે. આ પર્વતનાં મુખ્ય શિખરોમાં પાર્ક ટેકરી, ભિગાલિયા ટેકરી, અધ્ધરદેવી ટેકરી, અને સૂર્યાસ્તાચલ (સનસેટ પૉઇન્ટ) મુખ્ય છે.
આબુ પર્વત પર ઉનાળામાં ખાસ કરીને માર્ચથી જૂન સુધી પ્રવાસીઓની સખત ભીડ રહે છે. ગિરિમથક હોવાને કારણે સહેલાણીઓ ઉનાળાની ગરમીથી અહીં રાહત અનુભવવા આવે છે. ચોમાસામાં આ પર્વતનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે. વનસ્પતિથી પથરાયેલા આ પર્વતમાં તીર્થસ્થળો અને પ્રવાસનસ્થળો આવેલાં છે.
કહેવાય છે કે ઈ. સ. 1822માં કર્નલ જેમ્સ ટોડે આ પર્વતને પ્રવાસનકેન્દ્ર બનાવેલું. બીમાર યુરોપિયન સૈનિકોને અહીં સ્વાસ્થ્ય માટે રાખવામાં આવતા. ઈ. સ. 1956 સુધી આબુ પર્વત બનાસકાંઠા જિલ્લાનો એક ભાગ હતો. પરંતુ ત્યારબાદ તેને રાજસ્થાનના શિરોહી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો. દિલ્હી-અમદાવાદ રેલમાર્ગ ઉપર આબુ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે આબુ પર્વત ઉપર પહોંચી શકાય છે. અર્બુદાચલ તેનું પ્રાચીન નામ છે. અધ્ધરદેવી કે અર્બુદાદેવીનું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે. હિન્દુ અને જૈન લોકોનું આ પવિત્ર તીર્થક્ષેત્ર છે.
પૌરાણિક અનુશ્રુતિ મુજબ અહીં વસિષ્ઠ અને અન્ય અનેક ઋષિઓએ તપ કર્યું હતું. ત્યારે રાક્ષસો તેમના તપમાં વિઘ્નો નાખવા લાગ્યા તો ઋષિઓની પ્રાર્થના પરથી મહાદેવે અગ્નિમાંથી પ્રતિહાર, પરમાર, સોલંકી અને ચૌહાણ ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા, જેમણે રાક્ષસોનો નાશ કર્યો. આથી એ બધાં ક્ષત્રિય કુળો પોતાને અગ્નિકુળમાંથી ઉત્પન્ન થયેલાં માને છે. આમાં આબુનો પરમાર વંશ મુખ્ય છે.
દેલવાડાનું જૈન મંદિર, નખી તળાવ, વસિષ્ઠ આશ્રમ, ગૌમુખ, અચલગઢ, ભૃગુ આશ્રમ, ગુરુશિખર, સનસેટ પૉઇન્ટ, જમદગ્નિ અને ગૌતમ ઋષિનો આશ્રમ વગેરે અનેક જોવાલાયક સ્થળો છે. દેલવાડાનાં દહેરાં વિશાળ પ્રાંગણમાં આવેલાં છે. તેનું શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતની એક આગવી અસ્મિતા ઊભી કરે છે. છ જૈન મંદિરોમાં વિમલવસહિ, લુણુવસહિ, શ્રી ઋષભદેવજી, શ્રી પાર્શ્વનાથજી અને શ્રી મહાવીર સ્વામી તેમજ શ્રી કુંથુનાથજી સ્વામીનાં મંદિરો મુખ્ય છે. આબુથી લગભગ 11 કિમી. દૂર અચલગઢ પણ પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ છે. પ્રવાસીઓ માટે આવાસની સુંદર સુવિધા સાથે અહીં કેટલીક મિશનરી શાળાઓ આવેલી છે. રાજસ્થાન સરકારને આબુ પર્વત સહેલાણીઓ દ્વારા મોટી આવક પૂરી પાડે છે. આબુરોડની વસ્તી 2,24,404 (2011) જ્યારે માઉન્ટ આબુની વસ્તી 22,943 (2011) છે.
મહેશ મ. ત્રિવેદી