આબિદી, સૈયદ અમીર હસન : ફારસીના મશહૂર ભારતીય વિદ્વાન. લખનૌ, બનારસ અને સેંટ જૉન્સ કૉલેજ, આગ્રામાં શિક્ષણ પ્રાપ્ત કરીને ઈ. સ. 1945માં સેંટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા. 1955માં ફારસીના વધુ અભ્યાસ માટે ઈરાન ગયા. તેહરાન યુનિવર્સિટીથી ડી. લિટ્.(D. Litt.)ની ઉપાધિ પ્રાપ્ત કરી. દિલ્હી યુનિવર્સિટીમાં ઈ. સ. 1959માં ફારસીના રીડર તરીકે નિમાયા. ઈ. સ. 1969માં ફારસીના પ્રથમ પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ.
અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન, તુર્કસ્તાન વગેરે દેશોમાં ફારસી ભાષા-સાહિત્યના શ્રદ્ધેય વિદ્વાન તરીકે તેમને માન્યતા મળેલી છે.
તેમના જીવનનું ધ્યેય હિંદુસ્તાનમાં ફારસી સાહિત્યને પ્રકાશમાં લાવવાનું રહ્યું છે. તેમનાં પુસ્તકોમાં ‘વિક્રમ-ઉર્વશી’ (ભાષાંતર) અને ‘યોગવાસિષ્ઠ’ (સંપાદન) જેવા સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર છે.
અખિલ ભારતીય ફારસી સભાના પ્રમુખ તરીકે તેઓ વર્ષોથી ઉપયોગી સેવા બજાવી રહ્યા છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા