આબકારી જકાત : માલના ઉત્પાદન, આયાત કે નિકાસ પર લેવાતો કર. ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વે ચોથી શતાબ્દીમાં, મૌર્ય સામ્રાજ્યના સમયમાં, ભારતમાં ઉત્પાદિત માલ પર શુલ્કનું ભારણ હતું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મીઠા પર શુલ્ક નાખવામાં આવેલું. ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચના પ્રતાપે, આઝાદી બાદ મીઠા પરનો વેરો બંધ થયો.
તે અંગેના અગાઉના નવ અધિનિયમો અને વિવિધ વૈધાનિક નિયમોનું એકત્રીકરણ કરીને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક અને મીઠાનો અધિનિયમ, 1944 તૈયાર થયો, જે તેના નિયમો સહિત 28 ફેબ્રુઆરી, 1944થી અમલમાં છે.
ભારતમાં પેદા કે ઉત્પન્ન થતા મીઠા સિવાયના બધા જ જકાતપાત્ર માલ પર શુલ્કનું ભારણ છે. કલમ-3 મુજબ 1985ના જકાત કોષ્ટક અધિનિયમના પરિશિષ્ટમાં દર્શાવેલ દર પ્રમાણે અને ઠરાવેલ રીત પ્રમાણે આ શુલ્ક લેવાય છે.
વર્ષો સુધી જકાત અધિકારીની હાજરીમાં માલની રવાનગી થતી હતી. સને 1968થી સ્વનિકાલ પદ્ધતિ નીચે, અમુક માલ પર કરદાતા પોતે વેરાની જવાબદારી અદા કરીને, અધિકારીની ગેરહાજરીમાં અને મંજૂરી સિવાય, માલને કારખાનાની બહાર કાઢી શકે છે. આની સાથે, કેન્દ્ર સરકારે ઉત્પાદન, હિસાબો વગેરેની ચકાસણી માટે પ્રબંધ કરેલ છે.
માલનો નિકાલ કરતાં અગાઉ, ઉત્પાદકે માલના વર્ગીકરણની યાદી સક્ષમ અધિકારી પાસે મંજૂર કરાવવી જરૂરી છે. આ યાદીમાં, યોગ્ય વર્ગીકરણ, શુલ્કનો દર, મુક્તિને લગતાં જાહેરનામાં વગેરે વિગત દર્શાવવી પડે છે.
માલની કિંમતના અમુક ટકા અથવા ચોક્કસ રકમના સ્વરૂપમાં શુલ્કના દર હોય છે. આકારણી માટે કલમ-4ની જોગવાઈઓ મુજબ માલનું મૂલ્યાંકન થાય છે.
માલની કિંમત અધિકારી પાસે મંજૂર કરાવીને તેમજ શુલ્ક ભરીને માલ કારખાના યા ગોદામમાંથી બહાર મોકલી શકાય છે. અમુક પ્રક્રિયાઓ માટે શુલ્ક ભર્યા સિવાય પણ માલની હેરફેર થઈ શકે છે. ઉત્પાદિત માલ શુલ્ક ભર્યા સિવાય નિકાસ થઈ શકે છે.
નિયમ-8 નીચે જાહેરનામાં બહાર પાડીને શુલ્કના દરોમાં પૂર્ણ યા અંશત: રાહત આપવાની કેન્દ્ર સરકારને સત્તા છે.
સને 1986થી નિયમોમાં નવી જોગવાઈઓ ઉમેરીને, સૂચિત માલમાં વપરાતા કાચા માલના શુલ્કનું વળતર મળે અને તેનો ઉપયોગ ઉત્પાદિત માલના શુલ્ક સામે થઈ શકે તેવો પ્રબંધ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ અંગ્રેજીમાં ‘મોડવેટ’ તરીકે પ્રચલિત છે.
અધિનિયમમાં લાઇસન્સ, બૉન્ડ, નિકાસ, શુલ્ક વસૂલાત અને વળતર ઉપરાંત ગુના અને શિક્ષા માટે ખાતાકીય કાર્યવાહી તેમજ ફોજદારી ફરિયાદને લગતી જોગવાઈઓ મૂકવામાં આવી છે. અધિનિયમની કલમ-9 નીચેના ગુના પોલીસ હકૂમત બહારના ગણવામાં આવ્યા છે.
ખાતાકીય કાર્યવાહીમાં અધિકારીઓના ચુકાદાઓ સામે અપીલ માટે સને 1982થી અપીલીય ન્યાયપંચની જોગવાઈ છે. નિર્દિષ્ટ બાબતોને લગતા ચુકાદાની ફેરતપાસ માટે કેન્દ્ર સરકારમાં અરજી કરવાની જોગવાઈ છે.
સીમાશુલ્ક અધિનિયમ, 1962 : સીમાશુલ્કને લગતો દરિયાઈ સીમાશુલ્ક અધિનિયમ 1878માં ઘડવામાં આવ્યો હતો. સને 1924માં ભૂમિ સીમાશુલ્ક અધિનિયમ ઘડવામાં આવ્યો હતો. ભારતીય એરક્રાફટ અધિનિયમ 1911માં ઘડવામાં આવ્યો. ઉપર દર્શાવેલા ત્રણેય અધિનિયમોનું એકત્રીકરણ સીમાશુલ્ક અધિનિયમ 1962થી કરવામાં આવ્યું. આ અધિનિયમ તા. 1 ફેબ્રુઆરી, 1963થી અમલમાં છે.
આ અધિનિયમનો મુખ્ય આશય અનિયંત્રિત ગુનાઇત આયાતના ભયમાંથી દેશના અર્થતંત્રને રક્ષણ પૂરું પાડવાનો છે.
આ અધિનિયમની કલમ-11માં દર્શાવેલ બાવીસ જુદા જુદા હેતુઓની પ્રાપ્તિ માટે, કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ વર્ણનની ચીજોની આયાત અથવા નિકાસ પર પ્રતિબંધ લાદી શકે છે.
આ અધિનિયમ અથવા અન્ય પ્રવર્તમાન અધિનિયમની અન્યથા જોગવાઈઓને આધીન, કલમ-12 મુજબ, ભારતની અંદર આયાત થતા કે બહાર નિકાસ થતા માલ પર, સીમાશુલ્ક વેરા કોષ્ટક અધિનિયમ 1976માં દર્શાવેલ દરો પ્રમાણે શુલ્ક લાગુ પડે છે. આ કોષ્ટક વર્ગીકરણના હેતુ માટે આંતરરાષ્ટ્રીય સંવાદિત પદ્ધતિને અનુસરે છે.
શુલ્કના દરોમાં પૂર્ણ અથવા અંશત: રાહત આપવા માટે કલમ-25 નીચે કેન્દ્ર સરકારને સત્તા આપવામાં આવી છે.
પરદેશોમાંથી ભારતમાં આવતા મુલાકાતીઓ તેમજ કાયમી સ્થળાંતરની ઇચ્છાવાળા આવનારાઓ અંગત ઉપયોગ માટે સામાન લાવે તેના પર શુલ્કની લાગત કે રાહત માટેનો પણ અધિનિયમમાં પ્રબંધ છે.
શુલ્ક ભરેલ આયાતી માલની તેમજ તેમાંથી તૈયાર કરેલ માલની નિકાસ થાય ત્યારે શુલ્ક વળતર માટેની જોગવાઈઓ અધિનિયમમાં છે.
દાણચોરી અટકાવવાની કે પકડવાની કાર્યવાહીમાં ગુનાની તપાસ, ઝડતી અને ધરપકડ ઉપરાંત ખાતાકીય કાર્યવાહી, સુનાવણી તેમજ ચુકાદા અન્વયે દંડ, માલની તેમજ વાહનોની જપ્તી વગેરે બાબતોની તથા કલમ-135 નીચે ફોજદારી ફરિયાદની જોગવાઈઓ છે.
અધિકારીઓના ચુકાદાઓ વિરુદ્ધ અપીલ માટે 1982થી અપીલીય ન્યાયપંચની જોગવાઈઓ કરવામાં આવી છે.
દિનેશચંદ્ર ત્ર્યંબકલાલ ત્રિવેદી