આફ્લાવિષ (Aflatoxin) : ઍસ્પર્જિલસ ફ્લેવસ એ. પૅરાસાઇટિક્સ જેવા સૂક્ષ્મ ફૂગ(microfungus)ના બિજાણુઓ (spores) દ્વારા ઉત્પન્ન થયેલ વિષને આફ્લાવિષ (aflatoxin) કહે છે. 16 અથવા તેના કરતાં વધુ આફ્લાવિષના પ્રકારો આફ્લાવિષ-સંકીર્ણ (aflatoxin complex) બનાવે છે. આ વિષની રાસાયણિક રચના કૂમૅરિન મુદ્રિકા સાથે બાયફ્યુરૅનનું સંયોજન થવાથી બને છે.

આફ્લાવિષ મગફળીને ચેપ લગાડે છે. સામાન્યપણે મગફળી તેમજ અનાજયુક્ત પશુઆહાર ખાવાથી માનવસહિત કેટલાંક પ્રાણીઓ-ખાસ કરીને પાળેલાં પશુ અને મરઘાંબતકાં-ને યકૃત તેમજ મૂત્રપિંડનાં કૅન્સર થાય છે. તે યકૃતનું કૅન્સર ઉત્પન્ન કરનાર એક અત્યંત પ્રભાવક કારક (agent) તરીકે જાણીતું છે. આ કૅન્સરનું પ્રમાણ ઉષ્ણ તેમજ આર્દ્ર પ્રદેશોમાં વિશેષ જોવા મળે છે. આફ્લાવિષ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે છે અને હેપેટાઇટિસ ‘B’ વિષાણુના ચેપથી થતા યકૃત કૅન્સરની સંભાવના વધારે છે.

સુરેશભાઈ ઘેલાભાઈ દેસાઈ