આફ્રો-એશિયન પીપલ્સ સૉલિડારિટી ઑર્ગેનાઇઝેશન (આપ્સો) (AAPSO) : બીજા વિશ્વયુદ્ધ પછી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરેલાં એશિયા તથા આફ્રિકાનાં નવોદિત રાષ્ટ્રોનું મંડળ, જેમાં ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, બ્રહ્મદેશ તથા પાકિસ્તાને અગ્રણી ભાગ ભજવ્યો હતો. આ મંડળની સ્થાપના કોલંબો ખાતે 16 ડિસેમ્બર, 1957ના રોજ કરવામાં આવી હતી. આ મંડળ પાછળની ભાવના તથા આદર્શના ઘડતરમાં ભારતના તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ફાળો સૌથી વિશેષ રહ્યો હતો. 1946માં તેમણે એશિયાનાં રાષ્ટ્રોની પરિષદ દિલ્હીમાં બોલાવી હતી અને એપ્રિલ 18–24, 1955માં બાન્ડુંગ (ઇન્ડોનેશિયા) ખાતે આફ્રિકા અને એશિયાના લગભગ અઠ્ઠાવીસ જેટલા દેશોની પરિષદ બોલાવી હતી.
આ મંડળનું મુખ્ય કાર્ય બંને ખંડના દેશો વચ્ચેના સંપર્ક ચાલુ રાખવાનું છે અને તે દ્વારા સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો સામનો કરીને જે તે દેશોને મુક્તિ અપાવવાનું અને તેમના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાનું છે. આફ્રિકા અને એશિયાના દેશોનો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવાનું લાંબા ગાળાનું કાર્ય પણ આ મંડળ સંભાળે છે.
મંડળના બંધારણમાં સંગઠનના બધા જ સભ્ય દેશોનું પ્રતિનિધિત્વ ધરાવતી કૉંગ્રેસ કાઉન્સિલ છે. તે ઉપરાંત 12થી 20 સભ્યો ધરાવતું પ્રિસિડિયમ છે, જે કારોબારી તરીકે કાર્ય કરે છે. મંડળના મહામંત્રી પ્રિસિડિયમના પ્રમુખ તરીકે વિરાજે છે. મહામંત્રીને સહાય કરવા માટે ત્રણ ડેપ્યુટી મહામંત્રીઓ હોય છે, જેઓ અનુક્રમે આફ્રિકા, આરબ અને એશિયાના દેશોમાંથી નિયુક્ત થાય છે, જેથી ત્રણેય ભૌગોલિક પ્રદેશોને પૂરતું પ્રતિનિધિત્વ મળે. મંડળની અધિકૃત ભાષા તરીકે અરબી, અંગ્રેજી અને ફ્રેન્ચને માન્ય કરવામાં આવી છે.
એક મંડળ તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક કાઉન્સિલ (ECOSOC), યુનેસ્કો (UNESCO) તેમજ (UNCTAD) (United Nations Conference on Trade and Development) તરફથી આ સંગઠનને માન્યતા આપવામાં આવી છે.
ત્રીજી દુનિયાના અને ખાસ કરીને આફ્રિકા અને એશિયાના દેશોના પ્રશ્નો વિશે આ મંડળ પરિષદો, પરિસંવાદો યોજે છે અને સમાજવાદી દેશો સાથે સહકારની ભાવના ખીલવવા પ્રયાસ કરતું રહે છે.
અવારનવાર પ્રગટ થતા લેખો અને પુસ્તકો ઉપરાંત મંડળ તરફથી ‘Solidarity’ નામનું માસિક પ્રગટ થાય છે.
આપ્સોની પ્રવૃત્તિઓ ત્રીજા વિશ્ર્વના દેશોના સંદર્ભમાં વિકસતી રહી છે. તે સભ્ય દેશોને એકવીસમી સદીના સંદર્ભમાં ‘હરિત અર્થતંત્ર’ (green economy) અપનાવવા અપીલ કરે છે, જે મુખ્યત્વે પ્રાદેશિક અને સ્થાનિક કક્ષાની માળખાકીય સુવિધાઓને અનુલક્ષીને ગોઠવવામાં આવતી હોય. નવા અને ઉદભવ પામતા પડકારો ઝીલી સભ્ય દેશો માનવ-અધિકારો, સામાજિક વિકાસ, મહિલાઓ અને તેમને લગતા સંઘર્ષ-નિવારણ ઘટકો તથા પર્યાવરણના સંદર્ભે ટકાઉ/પુષ્ટિકારક વિકાસ(sustainable development)ની દિશામાં ગતિ કરે એમ તે ઇચ્છે છે. આવા વિકાસમાં પર્યાવરણ અને પ્રાકૃતિક સ્રોતોનો વિશેષ ખ્યાલ રાખવામાં આવે તે જરૂરી છે. તેના મતે પુષ્ટિકારક વિકાસ માટે મહિલાઓની પૂરી ભાગીદારી આવશ્યક છે.
આપ્સો સભ્ય દેશો વચ્ચેના શાંતિ-પ્રયાસો બાબતે પણ સક્રિય રહે છે. ખાસ કરીને આરબ દેશો વચ્ચેના સંબંધો અંગે તેમજ આરબ પ્રજાની અંદર ફેલાયેલા અજંપા અંગે તે ચિંતાતુર છે. આપ્સોએ માર્ચ, 2010માં આરબ શિખર પરિષદ લિબિયાના સિરતે ખાતે યોજી હતી. તેમાં આરબ રાજ્યો વચ્ચેની એકતાનો આશય મુખ્ય મુદ્દો હતો. પવિત્ર શહેર જેરૂસલેમ પરના ઇઝરાયલી હુમલા ખાળી આરબ સલામતીને સ્થાપી બનાવવાના પ્રયાસો વિશે વિચારણા કરવામાં આવી. તદુપરાંત આરબ દેશો આરબ શાંતિ ઉપક્રમ(Arab Peace Initiative)ની દિશામાં ગતિ કરે તેવી અપેક્ષા અને ઉપાયો વ્યક્ત કરવામાં આવ્યા. આ માટે આરબ નેતાઓને સમાધાનના માર્ગે ચાલી સક્રિયતા દાખવવાની પણ અપીલ કરવામાં આવી.
આ સંદર્ભે Pact of Leagae of Arab Statesની પુનર્વિચારણા કરીને આરબ સંગઠનને મજબૂત કરવાનો વિચાર રજૂ થયો. તે માટે સબળ આરબ પાર્લમેન્ટની અને આરબ અદાલતની રચનાનાં સૂચનો થયાં, જેના થકી સંઘર્ષનિવારણ કરી સુલેહ-શાંતિ સ્થાપી શકાય. આરબ રાજ્યો વચ્ચેના સંઘર્ષો અટકાવવા અને મધ્યપૂર્વને સામૂહિક વિનાશના શસ્ત્રોથી મુક્ત કરવા વ્યવહારુ પગલાં અંગેની નીતિ ઘડવાની તેની સલાહ છે. વાસ્તવમાં આ રચનાત્મક સૂચનોને વ્યવહારુ કેવી રીતે બનાવવાં તે મોટી સમસ્યા છે, જ્યાં આપ્સો જેવાં સંગઠનોની કાર્યપદ્ધતિ ઢીલી પડે છે અને અસરકારક પરિણામો સુધી પહોંચવામાં વર્ષો લાગી જાય છે.
દેવવ્રત પાઠક