આન્દ્રિવ, લિયોનીદ નિકોલાઇવિચ (જ. 21 ઑગસ્ટ 1871, ઓર્યોલ; અ. 12 સપ્ટેમ્બર 1919, ફિનલૅન્ડ) : રશિયન વાર્તાકાર અને નાટ્યકાર. રશિયન સાહિત્યમાં તે નિરાશાવાદી લેખક તરીકે જાણીતા છે. તેમણે 1894માં અનેક વાર આપઘાતના પ્રયત્નો કર્યા હતા.
કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરીને તેઓ બૅરિસ્ટર થયેલા. તેઓ ગુનાઓના અખબારી અહેવાલ લખતા. મૅક્સિમ ગૉર્કીના તેઓ મિત્ર હતા. તેમની વાર્તા ‘એક વખત રહેતો હતો’…. (‘ઝીલી બિલી’) દ્વારા લોકોનું તેમના પ્રત્યે ધ્યાન દેરાયેલું. તેમની બે વાર્તાઓ ‘ધી ઍબિસ’ અને ‘ઇન ધ કૉગ’(1902)માં તેમણે કરેલા જાતીય સંબંધોના ખુલ્લા આલેખને ઊહાપોહ જગાવ્યો હતો. તેમની શ્રેષ્ઠ લઘુનવલોમાં ‘હિઝ એક્સેલન્સી ધ ગવર્નર’ (1905) અને ‘ધ સેવન ધૅટ વેર હૅંગ્ડ’ (ગુજરાતી ભાષાંતર ‘ઊગતા સૂરજની વિદાય’) છે. તેમણે 1905થી સનસનાટીભર્યાં નાટકો લખવા માંડેલાં. તેમનાં નાટકોમાં ‘ધ લાઇફ ઑવ્ મૅન’ (1915) તથા ‘હી હુ ગેટ્સ સ્લૅપ્ડ’ (1916) રૂપકપ્રધાન સફળ કૃતિઓ છે. ‘રેડ લાફ’ (1905) તેમની ચિરંજીવ વાર્તા ગણાય છે. તેઓ રશિયન ક્રાંતિથી ભડકીને ફિન્લૅન્ડ નાસી ગયેલા.
નલિન પંડ્યા