આનૂઈ, ઝાં (Anouilh, Jean) (જ. 23 જૂન 1910, બૉર્દો; અ. 3 ઑક્ટોબર 1987 સ્વીત્ઝર્લૅન્ડ) : અગ્રણી ફ્રેંચ નાટકકાર. તેમણે ત્રીસેક નાટકો રચ્યાં હતાં, જે પૈકી કેટલાંક ઉચ્ચ કોટિનાં છે. તેમનું સ્થાન સાર્ત્ર, કામુ, બૅકેટ, ઇયોનેસ્કો જેવા મહાન નાટકકારોમાં છે. તેમણે પૅરિસમાં આવી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ જાહેરાતની પેઢીમાં કામ કર્યું હતું.

તેમનું નાટક ‘લ એર્માંઈ’ ભજવાયું (1932) તે પછી તેમણે કલમજીવી થવાનું નક્કી કર્યું. તેમણે મોનેલા વેલેન્તિન સાથે લગ્ન કર્યું હતું અને તેમની પત્નીએ તેમનાં ઘણાં નાટકોમાં નાયિકાની ભૂમિકા ભજવી હતી.

1931માં એ લુઈ જૌવના રહસ્યમંત્રી થયા અને રંગભૂમિના સીધા સંપર્કમાં આવ્યા. 1932માં તેમના નાટક ‘લ એર્માંઈ’ના 37 પ્રયોગો થયા. 1935માં એક અન્ય નાટક ભજવાયું અને તેના પરથી બોલપટ ઉતારવાના હકો હૉલિવુડે ખરીદ્યા ત્યારે આનૂઈની આર્થિક સ્થિતિ સુધરી. 1937માં ‘અ ટ્રાવેલર વિધાઉટ લગેજ’ નાટક કીર્તિદાયી નીવડ્યું.’ ‘જેઝાબેલ’, ‘થીવ્ઝ કાર્નિવલ’ (1938) નાટકો મોડાં ભજવાયાં. તે પછી દર વર્ષે તેમનાં નાટકોમાંથી કોઈ ને કોઈ નાટક ભજવાતું જ રહ્યું ‘ઍન્ટિગૉની’ નાટકે આનૂઈની લોકપ્રિયતા વધારી.

ઝાં આનૂઈ

1945-46નાં ચાર નાટકો ‘યુરિડીસ’ (1941), ‘ઍન્ટિગૉની’ (1942), ‘રોમિયો ઍન્ડ જેનેટ’ (1945) અને ‘મિડી’ (1946) વાસ્તવવાદની ઉપેક્ષા ચર્ચે છે. ‘રિંગ અરાઉન્ડ ધ મૂન’ (1947) નાટક ન્યૂયૉર્કમાં 1950માં ભજવાયું. 1947-56માં લખાયેલ ચમકતાં અને ચચરતાં આઠ નાટકોમાં જીવનને જેવું છે તેવું સ્વીકારનાર સામાન્ય માનવોની વાત છે. આનૂઈનાં પાત્રો જીવનને સામાન્ય, પ્રેમને ધંધો અને ધનને જીવનની જરૂરિયાત ગણે છે. 1953માં એડવર્ડ ઓવેન માર્શે ‘ઝાં આનૂઈ – પીરોત અને પાટલૂનનો કવિ’ તથા 1961માં લિયૉનાર્દ કેલબ પ્રોંકોએ ‘ઝાં આનૂઈની સૃષ્ટિ’ વિશે ગ્રંથ લખીને તેની કલાને ચર્ચી છે. ‘ધ વાલ્ટ્ઝ ઑવ્ ધ તોરીલેર’ (1951, અનુ. 1956) ન્યૂયૉર્ક ડ્રામા ક્રિટિક્સ સરકલ દ્વારા પુરસ્કૃત કરાયેલું. તેનું ચલચિત્ર (1962) પણ થયું હતું. ‘ધ લાર્ક’ (1953, અનુ. 1955), ‘બૅકેટ’ (1960; ચલચિત્ર 1964); ‘ડિયર ઍન્તોઇન ઑર ધ લવ ધૅટ ફેઇલ્ડ’ (1969; અનુ. 1971) અને ‘ઑર્નિફલ’ (1970; અનુ. 1970) તેમનાં નોંધપાત્ર નાટકો છે. 1960-61માં ‘બૅકેટ અથવા ઈશ્વરનું સન્માન’ નાટક ભજવાયું. 1954-55માં આનૂઈનું ‘ચોરોનું કાર્નિવલ’ નાટક અમેરિકામાં ચેરી લૅન થિયેટરમાં સફળતાપૂર્વક ભજવાયું હતું અને તેને ‘એન્તોઈનેત પેરી’ પુરસ્કાર મળ્યો હતો.

કૃષ્ણવદન જેટલી