આન્તસેનગ્રુબેર,લુડવિગ

January, 2002

આન્તસેનગ્રુબેર, લુડવિગ (જ. 29 નવેમ્બર 1839, વિયેના; અ. 10 ડિસેમ્બર 1889, વિયેના) : ઑસ્ટ્રિયન નાટ્યકાર. તેમણે ઘણો સમય રંગભૂમિના કલાકાર તરીકે કામ કર્યું. પાછળથી વીસ બોધપ્રદ નાટકો જર્મનમાં લખ્યાં, જેમાં ઑસ્ટ્રિયાના ગ્રામજીવનનું વાસ્તવિક ચિત્ર આલેખ્યું છે. તેમનાં નાટકોમાં તેમણે ત્યાંની લોકબોલીનો અસરકારક ઉપયોગ કર્યો હતો. તેમનું કાર્યક્ષેત્ર લોકનાટ્યનું નવસંસ્કરણ અને પ્રાચીન વિચારશ્રેણીનું સમર્થન હતું. તેમનાં નાટકોમાં નિસર્ગવાદનો પ્રભાવ વરતાય છે. ‘ધ પાશ્ચર ઑવ્ કિર્ચફેલ્ડ’ (1970) અને ‘ફોર્થ કમાન્ડમેન્ટ’ (1978) વિશેષ મહત્વનાં નાટકો છે. ટૂંકી વાર્તા અને નવલકથાનું પણ તેમણે સર્જન કર્યું હતું.

નલિન પંડ્યા