આનંદ બાઝાર પત્રિકા : બંગાળી દૈનિક. સ્થાપના 13 માર્ચ, 1922. સ્થાપક અશોકકુમાર સરકાર. કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાંથી પ્રસિદ્ધ થતું એ.બી.પી. ગ્રૂપનું દૈનિકપત્ર છે. પ્રાદેશિક ભાષાઓમાં જેની એક આવૃત્તિ 12.80 લાખ નકલનો ફેલાવો ધરાવે છે. ભારતના બંગાળી અખબારોમાં 65.32 લાખની વાચક સંખ્યા સાથે બંગાળી અખબારોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એમાં માત્ર સમાચારો જ નથી પ્રગટ થતા, પરંતુ દરરોજ એક એક વિષય લઈને, તેની પર જુદી જુદી દૃષ્ટિએ લખાયેલા લેખો હોય છે. રવિવારની આવૃત્તિમાં અનેક વિષયો હોય છે. રાજકારણ, રમતગમત, વિજ્ઞાનની પ્રગતિ, આર્થિક અને સામાજિક સમસ્યાઓ, ભારતને સ્પર્શતા લગભગ બધા વિષયોની ચર્ચા એમાં હોય છે. 1969થી આ પત્રની અલ્લાહાબાદની પણ આવૃત્તિ પ્રગટ થવા માંડી છે. એની પણ બે લાખ જેટલી પ્રત વેચાય છે. આ ઉપરાંત ‘દેશ’ નામનું સાપ્તાહિક તથા ‘આનંદમેલા’ નામનું બાળકોને માટેનું સાપ્તાહિક પણ આનંદ બાઝાર પત્રિકા સંકુલમાંથી પ્રગટ થાય છે. ‘દેશ’ બંગાળનું શ્રેષ્ઠ સાપ્તાહિક ગણાય છે. ‘આનંદ બાઝાર પત્રિકા’ કટ્ટર રાષ્ટ્રવાદી રહ્યું છે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામોમાં આ પત્રે લેખિની દ્વારા બ્રિટિશ સરકાર સામે ટક્કર લીધેલી. ત્રીશીનું ક્રાન્તિવાદી આંદોલન, કાનૂનભંગ, ભારત છોડો – એ બધી લડતોમાં એના તંત્રી તથા સંપાદકમંડળના સભ્યો પકડાયેલા, મુદ્રણાલય જપ્ત થયેલું. પરંતુ એ બધાં સંકટોમાંથી પાર ઊતરીને હજુ સુધી એણે પોતાની આગવી મુદ્રા જાળવી રાખી છે.
આનંદ બાઝાર પત્રિકા (એબીપી) ગ્રૂપ 1982થી ‘ધ ટેલિગ્રાફ’ નામનું અંગ્રેજી અખબાર પણ ચલાવે છે. આ અખબાર અંગ્રેજી ભાષાનું આઠમું સૌથી મોટું અખબાર છે. 2019–20ના વર્ષ પ્રમાણે ધ ટેલિગ્રાફ સાડાત્રણ લાખ નકલોનો ફેલાવો ધરાવે છે. આનંદ બાઝાર પત્રિકા ગ્રૂપ ઉનિશકૂરી, મહિલાલક્ષી મૅગેઝિન ‘સનંદા’ અને ફિલ્મી સાપ્તાહિક ‘આનંદલોક’ની માલિકી ધરાવે છે. તે ઉપરાંત એક રાષ્ટ્રીય ન્યૂઝ ચૅનલ અને ગુજરાતી સહિત સાત પ્રાદેશિક ભાષાઓમાં સમાચારોની 24 કલાકની ચૅનલ ચલાવે છે.
ચન્દ્રકાન્ત મહેતા