આનંદમાર્ગ (1955) : સામાજિક અને આધ્યાત્મિક ધ્યેયને વરેલી વિશિષ્ટ પ્રકારની એક સંસ્થા. સ્થાપક પ્રભાતરંજન સરકાર (1921), જેઓ તેમના અનુયાયીઓમાં આનંદમૂર્તિ નામથી ઓળખાય છે. સંસ્થાનું મુખ્ય મથક કૉલકાતા (પશ્ચિમ બંગાળ). વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિગત વિકાસ સાધવાની, કેળવણી આપવાનું તથા સમાજના કચડાયેલા અને ઉપેક્ષિત વર્ગને સહાય આપવાનું ધ્યેય ધરાવતી આ સંસ્થા વિશ્વવ્યાપી છે. દરેક માનવી, પ્રાણી તથા વનસ્પતિમાં ઈશ્વરીય તત્વ રહેલું છે તેમ આ સંસ્થાનું દૃઢ મંતવ્ય છે. સમભાવ ઉપરાંત વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ માટે તથા શારીરિક અને માનસિક સંતુલન જાળવી રાખવા માટે ધ્યાન, આસનો અને યોગસાધના પર તે વિશેષ ભાર મૂકે છે. સંસ્થાના સભ્યો જેઓ અવધૂત અને અવધૂતિકા નામથી ઓળખાય છે – તેમના માટે વિગતવાર આચારસંહિતા નક્કી કરેલી છે, જેમાં અહિંસા, સત્ય, અપરિગ્રહ, એકાત્મતા અને સાદાઈ પર આધારિત જીવનશૈલી, શારીરિક અને માનસિક શુદ્ધિ, આત્મસંતોષ, નિ:સ્વાર્થ સેવા વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશ્વમાં જ્યાં જ્યાં દુકાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડું અને જ્વાળામુખી-વિસ્ફોટ જેવી આપત્તિઓ સર્જાય ત્યાં ત્યાં સંસ્થાના સેવકો અને સભ્યો અનાજ, કપડાં, દવા, કામચલાઉ રહેઠાણ વગેરે માટેનાં રાહતકાર્યોનું આયોજન કરે છે.
1970 પછી આ સંસ્થા તેનાં પદ્ધતિ, હેતુઓ અને કાર્ય પરત્વે ઘણી વિવાદાસ્પદ બની છે. 1971માં સંસ્થાના આદ્યસ્થાપક પી. આર. સરકારને તથા કેટલાક અગ્રણી સભ્યોને ગુનાઇત કૃત્યોના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. 1975માં સંસ્થાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન સંસ્થાના સ્થાપક પી. આર. સરકારને મારી નાખવા માટે વિષપ્રયોગ કરવામાં આવ્યો હતો એવો આક્ષેપ તેમના અનુયાયીવર્ગ તરફથી કરવામાં આવ્યો હતો. આ કહેવાતા કૃત્યના વિરોધમાં પ્રભાતરંજન સરકાર લાંબી અવધિની ભૂખ-હડતાલ પર ઊતર્યા હતા. 1977માં સંસ્થા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને તેમના પર મૂકવામાં આવેલા આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. તે પછી તેમની કારાવાસમાંથી મુક્તિ થઈ હતી.
આ સંસ્થાની ભારતમાં 1,400 અને વિદેશમાં 1,500 શાખાઓ (1988) છે. દેશવિદેશમાં તેના નેજા હેઠળ 2,000 જેટલાં બાલમંદિરો, અનેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અને ટૅકનિકલ તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ચલાવવામાં આવે છે તેવો સંસ્થાનો દાવો છે.
સંસ્થાની આજીવન સેવા કરવાનું વ્રત લેનાર કાર્યકરોને અવધૂત કે અવધૂતિકા તરીકે ઓળખવામાં આવે છે.
આનંદમાર્ગની ફિલસૂફી ‘PROUT’(Progressive Utilisat-ionTheory) પ્રગતિશીલ વિનિયોગ સિદ્ધાંત)માં સમાયેલી છે. તેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે : (1) સમૂહની સંમતિ વિના કોઈ પણ વ્યક્તિ ભૌતિક સંપત્તિનો સંચય કરે નહીં. (2) વિશ્વમાં રહેલી ગર્ભિત શક્તિનો મહત્તમ ઉપયોગ તથા તેની ઇષ્ટ વહેંચણી કરવી. (3) માનવસમાજના દરેક ઘટકમાં ભૌતિક, આધિભૌતિક તથા આધ્યાત્મિક સ્વરૂપની ગર્ભિત શક્તિ છે જેનો મહત્તમ ઉપયોગ કરવો. (4) ભૌતિક, આધિભૌતિક, આધ્યાત્મિક, લૌકિક, અતિલૌકિક(super-mundane) તથા આત્મવિષયક પરિબળોનો ઇષ્ટ સમન્વય સાધવો. (5) ગર્ભિત શક્તિના ઉપયોગની પ્રક્રિયા દરમિયાન વ્યક્તિલક્ષી, સ્થળલક્ષી તથા સમયલક્ષી ફેરફાર દાખલ કરીને તેનું આયોજન પ્રગતિશીલ ધોરણે કરવું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે