આધુનિકતા ઓ રવીન્દ્રનાથ (1968) : અબૂ સઇદ ઐયૂબ (1906-1982, કૉલકાતા) રચિત વિવેચનગ્રંથ. તેમાં રવીન્દ્ર-સાહિત્ય તથા આધુનિકતાની તુલના કરવામાં આવી છે. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1970ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
પદાર્થવિજ્ઞાનના સ્નાતક તેમજ ફિલસૂફીમાં અનુસ્નાતક ઉપાધિ મેળવનાર આ લેખકને કૉલકાતા યુનિવર્સિટી તેમજ વિશ્વભારતી વગેરેમાં અધ્યાપનનો માતબર અનુભવ મળેલો. વળી મેલબૉર્ન યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટડીઝ વિભાગના વડા તરીકે કામ કરતાં લેખન તેમજ સંપાદનનો અનુભવ પણ પ્રાપ્ત કરેલો. એ બધાના પ્રતાપે તેમનો ઉપર્યુક્ત ગ્રંથ ઘણો સમૃદ્ધ અને સંગીન બનેલો છે.
આ ગ્રંથમાં રવીન્દ્રનાથકૃત કવિતા, નાટકો, નવલકથા વગેરેને તેમણે આધુનિકતાની કસોટીએ ચકાસી બતાવ્યાં છે અને તેમાંથી દૃષ્ટાંતો ટાંકી કવિની આધુનિકતા તારવી બતાવી છે.
સૂક્ષ્મ સાહિત્યિક દૃષ્ટિ તથા સૂઝ તથા ચિંતનશીલતાની ગહનતા તેમજ વ્યાપકતા જેવી લાક્ષણિકતાઓને કારણે આ ગ્રંથ અનન્ય લેખાય છે. લખાણમાં વ્યક્ત થતું તેમનું સાહજિક માનવતાવાદી વલણ, વિષયવસ્તુનું અધિકૃત વિશ્લેષણ તથા સરળ-સ્પષ્ટ નિરૂપણ તેમજ સમકાલીન સાહિત્યપ્રવાહોમાંની આધુનિકતા વિશેની ઊંડી ચિંતનપૂત સમજ વગેરે લક્ષણોને કારણે બંગાળી સાહિત્યમાં તે અનોખો વિવેચનગ્રંથ લેખાય છે. આ ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ નગીનદાસ પારેખે ‘કાવ્યમાં આધુનિકતા’ – એ નામે કર્યો છે.
ચન્દ્રકાન્ત મહેતા