આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે.
અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે છે. આ ગ્રંથિ તેના દ્રવ્યસંચયના જોરે નિકટના વાયુકણોને પોતાની તરફ ખેંચી પોતાનો પિંડ વધુ ને વધુ મોટો કરતી જાય છે અને એ રીતે ક્રમશ: ઉન્નત બનતી જઈ એક સમર્થ, અલગ અસ્તિત્વવાળો વિરાટ પિંડ બની જાય છે. વિરાટ પિંડના અને નિહારિકાના દ્રવ્યમાં કશો ફરક હોતો નથી. ફરક પડે છે તેમના સ્વરૂપમાં.
સમય જતાં વાયુપિંડનું દ્રવ્ય ગુરુત્વાકર્ષણબળે પિંડના કેન્દ્ર તરફ ખેંચાતું જાય છે અને વિરાટ વાયુપિંડ સંકોચન અનુભવે છે. કેન્દ્ર તરફ ખેંચાતું દ્રવ્ય એક સમયે એટલું દબાણ દાખવે છે કે પિંડના કેન્દ્રમાં તે કારણે ગરમી ઉત્પન્ન થાય છે. સમય વીતતાં કેન્દ્ર પર થતા વાયુદબાણથી તેનું તાપમાન વધવા માંડે છે. ક્રમશ: વધતું જતું તાપમાન અમુક હદે પહોંચતાં તે કેન્દ્ર તરફ દબાણ દાખવતાં વાયુઆવરણોનો સામનો કરે છે. આ પ્રકારનો સામનો તુલ્ય બળવાળો બને ત્યાં સુધી વાયુપિંડ ખાસ કશો વિકાર દાખવતો નથી. પણ વધતા જતા વાયુદબાણને કારણે એમાં કેન્દ્રનું દબાણ વધુ ને વધુ ઊંચું જતાં વાયુપિંડમાંથી ગરમી (ઊર્જા) બહાર નીકળે છે. આમ થતાં તારામાં ચમક પેદા થાય છે અને તે ધીરે ધીરે વધુ તેજવાન બને છે. આ સ્થિતિએ પહોંચતાં સુધી વાયુપિંડને આદિ તારક કહેવામાં આવે છે.
વાયુવાદળ યા નિહારિકામાંથી ઉત્પન્ન થયેલો આદિ તારક ઉત્ક્રાન્ત થઈને ગરમી અને પ્રકાશના રૂપમાં ઊર્જાનું વિકિરણ કરતો સ્વયંજ્યોતિ તારો બને છે.
આદિ તારો બંધાવા માટે વાયુપિંડ ઉત્પન્ન થવાની જરૂર છે. કુદરત એ માટેનું કામ એક બીજી પ્રક્રિયા દ્વારા પણ કરે છે. પરમ સ્ફોટક (super nova) વિશિષ્ટ પ્રકારનો જ્યોતિ છે. સૂર્ય કરતાં વધુ દ્રવ્યસંચય ધરાવતો એવો તારો ક્યારેક ઓચિંતો ફાટી પડે છે. કરોડો સૂર્ય જેટલું તેજ દાખવતા સ્ફોટક તારાના પ્રચંડ વિસ્ફોટથી તેનું દ્રવ્ય અતિવેગથી અવકાશમાં પ્રસરવા માંડે છે અને એમ થતાં વિસ્ફોટથી ઉત્પન્ન થયેલા પ્રઘાતી તરંગો (shock waves) એમના સંપર્કમાં આવનારા અવકાશસ્થિત વાયુ પર આઘાત જમાવી તેને ભીંસમાં લે છે. ભીંસને કારણે વાયુવાદળનો કેટલોક ભાગ તૂટીને અલગ થઈ જાય છે, જે ઉપર્યુક્ત પ્રઘાતી બળ હેઠળ દબાઈને તેમાંથી વાયુપિંડ રચાઈ જતાં તે પિંડ આદિ તારક બનવાની ભૂમિકાએ પહોંચે છે.
છોટુભાઈ સુથાર