આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા લેખ પરથી મળે છે. બીજો જીર્ણોદ્ધાર ઈ. સ. 1593માં થયો. તે પછી આ મંદિરનું ‘નંદિવર્ધન’ કે ‘નંદવર્ધન’ એવું નામાભિધાન થયું. આ જીર્ણોદ્ધાર તેજપાલ સોનીએ તેના ગુરુ હીરવિજયસૂરિની પ્રેરણાથી કરેલો અને મૂર્તિની પ્રતિષ્ઠા પણ ગુરુના વરદ હસ્તે કરવામાં આવેલી.
ગિરિ પર આવેલાં ચોમુખ મંદિરોમાં આ મંદિર તેના અનન્ય મંડપને કારણે જુદું પડી આવે છે. તેનું શિખર ઉત્તુંગ છે. શિખર પર 1,245 કુંભની રચના કરવામાં આવી છે. તે ઉપરાંત 21 સિંહ, 4 યોગિની તથા 10 દિકપાલ પણ કંડારેલાં છે. મંદિરને ફરતી દેવકુલિકાઓ છે, જેની સંખ્યા 72ની છે. મંદિરની ચાર બાજુ ચાર ગવાક્ષ આવેલા છે. 32 તોરણો અને 32 અપ્સરાઓ તેની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મંદિરમાં 72 સ્તંભ છે અને 24 હસ્તી છે. મંડપ બે માળનો છે.
ગર્ભગૃહની અંદર પછીત પાસેની પીઠિકા પર મૂલનાયકની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય કરતાં મોટી એવી મૂલનાયકની પ્રતિમા છે. ગર્ભગૃહના દ્વાર આગળ નાભિરાજ અને મરુદેવીનાં મૂર્તિશિલ્પો ધ્યાન ખેંચે છે.
દિનકર મહેતા