આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો અને ઉત્તમ અભિનેતાનો પુરસ્કાર મેળવેલો. કૉલેજકાળ દરમિયાન લખેલી એમની વાર્તાઓ ‘ભારતી’ કે ‘આંધ્ર પત્રિકા’ અને ‘જ્યોતિ’ જેવાં સામયિકોમાં પ્રગટ થતી. શરૂઆતની એમની વાર્તાઓએ એમને હાસ્ય અને કટાક્ષલેખક તરીકે પ્રતિષ્ઠા અપાવી હતી.
એ પછી એમણે ‘અરાકુરણી’ અને ‘મંચુતેરા’ નાટકો લખ્યાં. ‘મંચુતેરા’ રંગમંચ પર એટલું બધું સફળ થયું કે અનેક નાટકમંડળીઓએ એને ભજવ્યું હતું અને હજીય ભજવાય છે. એ નાટકે એમને નાટકકાર તરીકે પ્રતિષ્ઠા અપાવી. ‘રીતિમનીષી’, ‘એન્ટેન્ટાદુરુમ્’, ‘ચુડુચુડુ નીડલુ’, ‘પંડાગોચિંડી’, ‘અતિથિ દેવુલ્લુ’, ‘વેલ્લિદદરિતો’, ‘વિલ્લુ મુગ્ગુરુ’ એમનાં નોંધપાત્ર નાટકો છે.
એમણે ટૂંકી વાર્તાઓ પણ લખવા માંડી હતી, જેમાં એમની ‘કલેક્ટરુ’ તથા ‘ક્ષમામિનચી’ વાર્તાઓ ભારતમાં તેમજ વિદેશોમાં પણ વખણાઈ હતી.
એમણે નવલકથાઓ લખી છે. ‘સગાતુ મનીષી’ અને ‘કશ્મીરી ગુણ વેન્ટય પુટ્ટુ’ એમની લોકપ્રિય નવલકથાઓ છે.
એમની લઘુનવલ ‘કારમગુણિ વેલ્લય પુટ્ટુ’ માટે એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો.
પાંડુરંગ રાવ