આદિમતાવાદ (primitivism) (ચિત્રકળા) : રેનેસાં પૂર્વેની કળાશૈલી જેવી લાક્ષણિકતાઓ ધરાવતો આધુનિક કળાનો એક મહત્ત્વનો અભિગમ. સમયની સાથે સાથે, સંસ્કૃતિના વિકાસ સાથે કળાનો પણ વિકાસ થતો જાય છે એ માન્યતાનું આ વાદ નિરસન કરે છે. બાળકળા, આદિવાસી કળા, લોકકળા અને પ્રાગૈતિહાસિક સમયની કળા જ સાચી કળા છે તેમ માની પ્રિમિટિવિઝમના અનુયાયી કલાકારો કલાના વિકાસ સાથે નીપજેલાં વાસ્તવદર્શન, પ્રકાશ અને છાયા, પરિપ્રેક્ષ્ય (perspective) જેવાં રૂઢ લક્ષણોને ફગાવી દઈ ઉપર્યુક્ત કળાઓનાં તત્ત્વો પોતાની કળામાં નિપજાવવા મથતા હોય છે. આદિમતાવાદી કળાકારો બે પ્રકારના હોય છે. એક તો એ કે જે આધુનિક ઔદ્યોગિક વાતાવરણમાં રહેવા છતાં કલાના વિકાસથી અનભિજ્ઞ રહી પોતાની મૌલિક કૃતિઓ સર્જતા હોય. બીજા પ્રકારના કળાકારો હકીકતમાં તો પૂર્ણ તાલીમ પામેલા કળાકારો હોય છે; જે પોતાની તાલીમના પાઠને ભૂલી જઈ જાણીબૂજીને સહજભાવે આવડે તેવી કૃતિઓ સર્જવા મથતા હોય છે. આણંદનાં સંતોકબા દૂધાતને પ્રથમ પ્રકારનાં આદિમતાવાદી કળાકાર ગણી શકાય. કોઈ પણ પ્રકારના શિક્ષણથી વંચિત રહી ગયેલાં સંતોકબા નથી બાળક, નથી આદિવાસી, નથી લોકકળાકાર કે નથી પ્રાગૈતિહાસિક કળાકાર. લગભગ 70 વરસની ઉંમરે તેમણે કળાની કોઈ પણ તાલીમ વિના અને તે અંગેની કોઈ પણ સભાનતા વિના આવડે એવું ચીતરવું શરૂ કર્યું અને આજે તેઓ ભારતનાં મહત્ત્વનાં આદિમતાવાદી ચિત્રકાર ગણાય છે. ભૂપેન ખખ્ખરને બીજા પ્રકારના આદિમતાવાદી ચિત્રકાર ગણી શકાય; કારણ કે તેઓ સુશિક્ષિત છે, કળાના વિવિધ પ્રવાહોથી પૂર્ણ પરિચિત છે, કળાની તાલીમ પણ પામ્યા છે. આધુનિક પશ્ચિમી કલામાં હેનરી રૂસો, પૉલ કલી અને જિથાકૉમેતીને અગ્રગણ્ય આદિમતાવાદી કળાકારો ગણવામાં આવે છે. તેઓ તેમની કૃતિઓમાં યુરોપિયન સંસ્કૃતિ અને કલાવિકાસનાં લક્ષણોને ફગાવી દઈ બને તેટલી બાલસહજ અને સ્વયંસ્ફુરિત કલાકૃતિઓ ઉતારે છે.
અમિતાભ મડિયા