આદિત્ય L1 : સૌરમંડળના કેન્દ્ર – સૂર્યમાંથી ઊર્જાનું સતત ઉત્સર્જન થાય છે. સૂર્યને કારણે જ પૃથ્વી પર જીવન છે. તેમાં થતા ફેરફારો પૃથ્વી નજીકના અવકાશ અને જીવનને કેવી અસર કરી શકે તે સૂર્યના અભ્યાસથી સમજી શકાય. સૂર્ય બે રીતે ઊર્જા ઉત્સર્જિત કરે છે : (1) પૃથ્વીને પ્રકાશિત કરતો અને જીવન શક્ય બનાવતો પ્રકાશનો સામાન્ય પ્રવાહ અને (2) પ્રકાશ, કણો અને ચુંબકીય ક્ષેત્રોનો વિસ્ફોટ; જેને સૌર જ્વાળા (Solar Flares) કહેવામાં આવે છે. પૃથ્વી પર પહોંચતી આ જ્વાળાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણું રક્ષણ કરે છે માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની બહારથી તેનો અભ્યાસ સુપેરે થાય. વળી સૂર્ય સૌથી નજીકનો તારો છે માટે અન્ય તારાઓ કરતાં તેનો અભ્યાસ વધુ વિગતે થઈ શકે. સૂર્યના અભ્યાસથી આપણી મંદાકિનીના (Milky way) તેમજ આકાશગંગાના (Galaxy) તારાઓને સમજી શકાય. સૂર્ય એક ગતિશીલ તારો છે અને તે દેખાય છે તેના કરતાં તેનો વ્યાપ ઘણો વિશાળ છે. તેમાં થતા અનેક વિસ્ફોટો સૌરમંડળમાં પ્રચંડ ઊર્જા પ્રસારિત કરે છે. પૃથ્વી તરફ આવતી વખતે તે  પૃથ્વી નજીકના અવકાશમાં વિવિધ પ્રકારની ખલેલ પહોંચાડે છે. તેનાથી ઉપગ્રહ આધારિત સંચારપ્રણાલી ખોરવાઈ જવાની તેમજ ઇલેક્ટ્રૉનિક ઘટકોને/ઉપકરણોને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. આજના સમયમાં જ્યારે વધુ ને વધુ સેવાઓ ઉપગ્રહ આધારિત થતી જાય છે ત્યારે આ પ્રકારની ખલેલની આગોતરી માહિતી ખૂબ જ અગત્યની છે. તેનાથી આ પ્રકારની ખલેલ નિવારવા માટે પગલાં લઈ શકાય. જો અવકાશયાત્રી આ પ્રકારની વિસ્ફોટક ઘટનાના સીધા જ સંપર્કમાં આવે તો તે તેમને માટે ભયજનક બની રહે છે. સૂર્ય પરની વિભિન્ન ઉષ્મીય અને ચુંબકીય ઘટનાઓ ખૂબ જ ઉગ્ર ગુણધર્મો ધરાવતી હોય છે. આ પ્રકારની ઘટનાઓનો પ્રયોગશાળામાં અભ્યાસ થઈ શકતો નથી. તેને સમજવા માટે સૂર્ય એક કુદરતી પ્રયોગશાળાની ગરજ સારે છે. ‘આદિત્ય L1’ દ્વારા સૂર્યને સમજવાનો ઇસરોનો આ પ્રયત્ન છે. 

ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન (ઇસરો) અને અન્ય વિવિધ ભારતીય અંતરીક્ષ સંશોધન  સંસ્થાઓ દ્વારા વિકસિત તેમજ સંરચિત ‘આદિત્ય L1’ (સંસ્કૃત શબ્દ આદિત્ય એટલે સૂર્ય અને L1 સૂચવે છે લાગ્રેંજ પૉઇન્ટ 1) સૌર વાતાવરણનો અભ્યાસ કરવા માટેનું એક અંતરિક્ષયાન છે. સૂર્યનું અવલોકન કરવા માટે સમર્પિત આ પ્રથમ ભારતીય અભિયાન છે. 2 સપ્ટેમ્બર, 2023ના રોજ 11:50 વાગ્યે તેને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર – શ્રીહરિકોટાથી પ્રક્ષેપણયાન PSLV C57 દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. ઉડ્ડયનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ 6 જાન્યુઆરી, 2024ના રોજ 4:17 વાગ્યે તે નિયત ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું.  પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર પૃથ્વી-સૂર્ય વચ્ચેના લાગ્રેંજ પૉઇન્ટ L1ની આસપાસની પ્રભામંડળ (Halo) ભ્રમણકક્ષામાં તે પરિભ્રમણ કરે છે. ત્યાં તે સૂર્યના રંગમંડળ અને પ્રભામંડળની (Corona) ગતિશીલતાનું અવલોકન કરે છે તેમજ  સૌર વાતાવરણ, સૌર ચુંબકીય તોફાનો, સૌર પવનની ઉત્પત્તિ, તેની રચના અને ગતિશીલતા, અને પૃથ્વીની આસપાસના પર્યાવરણ પર તેની અસરનો અભ્યાસ કરે છે. અભિયાનની અવધિ પાંચ વર્ષ આકારવામાં આવી છે.

આદિત્ય L1 પર કુલ સાત પેલોડ (ઉપકરણો) ગોઠવવામાં આવ્યાં છે. તેમાંથી ચાર પેલોડ દૂરથી સૂર્યના અવલોકન માટે તેમજ ત્રણ પેલોડ તેના સ્થાન પાસે (In-situ) અવલોકન માટે ગોઠવેલાં છે. આ પેલોડને દેશની વિવિધ પ્રયોગશાળાઓએ ઇસરોના સહયોગથી વિકસાવ્યાં છે.

દૂરસંવેદક પેલોડ:

1. દૃશ્યમાન ઉત્સર્જન રેખા કોરોનાગ્રાફ (Visible Emission Line Coronagraph-VELC) : ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્ર સંસ્થા – બૅંગાલુરુ દ્વારા વિકસિત આ ઉપકરણ સૂર્યની સટીક (High Resolution) તસવીરો લે છે.

2.સૌર પારજાંબલી ઇમેજિંગ ટેલિસ્કોપ (Solar Ultraviolet Imaging Telescope – SUIT); પારજાંબલી તરંગલંબાઈમાં સૂર્યની છબીઓ ઝીલવા માટે આ ઉપકરણ આંતર-વિશ્વવિદ્યાલય કેન્દ્ર: ખગોળવિજ્ઞાન અને ખગોળભૌતિકીય – પુણે દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે સૂર્યના રંગમંડળની (Chromospheres) અને તેજાવરણની (Photosphere) વિવિધ ગુણવત્તા સભર છબીઓ લેવા માટે સક્ષમ છે.

3. સૌર ઓછી ઊર્જા એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (Solar Low Energy X-Ray Spectrometer-SoLEXS) : આ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર (ઇસરો) – બૅંગાલુરુ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે સૂર્યનાં સૉફ્ટ ક્ષ-કિરણોનું સતત માપન કરે છે જેનાથી કોરોના અને એક્સ-રે જ્વાળાનો અભ્યાસ કરવામાં આવે છે.

4.ઉચ્ચ ઊર્જા L1-કક્ષીય એક્સ રે સ્પેક્ટ્રોમીટર(High Energy L1 Orbiting X-Ray Spectrometer- HEL1OS) યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર – બૅંગાલુરુ દ્વારા નિર્મિત આ પેલોડ સૂર્યના હાર્ડ ક્ષ-કિરણોનું માપન કરે છે તેનાથી સૌર જ્વાળાઓનો અભ્યાસ થાય છે.

સ્થાન પાસે (In-situ) અવલોકન માટે પેલોડ:

5.આદિત્ય સૌર પવન કણ પ્રયોગ (Aditya L1 Solar wind Particles Experiment- ASPEX) : ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) અમદાવાદ દ્વારા વિકસિત આ ઉપકરણ સૌર પવન અને આલ્ફા કણનું વિશ્લેષણ કરે છે. પ્રોટૉન અને આલ્ફા કણોને અલગ કરી સંકલિત પ્રવાહનું માપન કરે છે.

6.આદિત્ય માટે પ્લાઝમા એનેલાઇઝર પૅકેજ (Plasma Analyser Package for Aditya – PAPA) : ઉપકરણ સૌર પવન, તેનાં તાપમાન, વિતરણ અને ગતિના અભ્યાસ માટે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (ઇસરો) –તિરુવનંતપુરમ્ ખાતે વિકસાવવામાં આવ્યું છે. તે સૌર પવનના ઇલેક્ટ્રૉન અને આયનને માપે છે જેનાથી કોરોનાની ગરમ થવાની પ્રક્રિયા સમજવામાં મદદ મળે છે.

7.અદ્યતન ત્રિ-અક્ષીયઉચ્ચ રેઝોલ્યુશનડિજિટલ મૅગ્નેટોમીટર (Advanced Tri- Axial High Resolution Digital Magnetometer-MAG) ઉપકરણ વિકસાવવામાં ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્ર સંસ્થા – બૅંગાલુરુની મુખ્ય ભૂમિકા રહી છે. તે સૌર પવન સંલગ્ન ચુંબકીય ક્ષેત્રનું માપન કરે છે.

   

ચિંતન ભટ્ટ