આદિકોષકેન્દ્રી (procaryote) : કોષકેન્દ્ર-ઘટક વગરનાં પરંતુ કોષરસમાં જેનાં રાસાયણિક તત્વો વેરવિખેર હોય તેવાં પ્રાથમિક અવસ્થાનાં સજીવો. જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે તેને આંતરઅવસ્થા કોષ (interphase cell) કહે છે. દરેક કોષ આંતરઅવસ્થા દરમિયાન તેમાં વિશિષ્ટ અંગિકા ધરાવે છે. તેને કોષકેન્દ્ર કહે છે. તે સર્વે વનસ્પતિ અને પ્રાણીકોષોમાં સ્વતંત્ર ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે.
કોષકેન્દ્ર એટલે સુયોજિત અંગિકા, જે રંગસૂત્રદ્રવ્ય (chromatin material), એક કે તેથી વધારે કોષકેન્દ્રિકા(nucleolus) અને કોષકેન્દ્રપટલ(nuclear membrane) ધરાવે છે.
જીવાણુઓ તથા નીલહરિત લીલ (blue-green algae) જેવાં આદિકાળનાં સૂક્ષ્મ સજીવોના તથા સુકોષકેન્દ્રી (eucaryotic) અર્વાચીન સજીવોના કોષ પરસ્પર ભિન્ન છે.
આદ્ય કોષો રંગસૂત્રદ્રવ્ય, કોષકેન્દ્રિકા અને કોષપટલ ધરાવતા નથી. પ્રાથમિક કક્ષાની (procaryolic) નીલહરિત લીલ જે પેલિયોઝોઇક કાળના ઑર્ડોવીસિયન સમયમાં (આશરે 500 લાખ વર્ષો પહેલાં) કોષકેન્દ્ર જેવાં (nucleus like) તત્વો ધરાવતી. તેના કોષોમાં શર્કરા ન્યૂક્લીઇક ઍસિડ અને પ્રોટીન સ્વતંત્ર અને અસ્તવ્યસ્ત દ્રવ્યો તરીકે ચયાપચય(metabolism)માં ભાગ લેતાં. શું આવા આદિ રાસાયણિક રજકણોમાંથી કોષકેન્દ્ર સર્જાયું હશે ?
આયોજનની દૃષ્ટિએ કોષકેન્દ્રનો અભાવ એ પરિસ્થિતિ પ્રાથમિક કે પ્રાચીન કાળની છે. કોષમાં ઘણી (આશરે અઢારેક જેટલી) અંગિકાઓ અસ્તિત્વમાં હોય છે અને દરેક અંગિકા પોતપોતાનું પટલ ધરાવે છે. સમયના વહેણ સાથે કોષમાં છૂટાછવાયા રાસાયણિક પદાર્થો એકત્ર થયા. તે પટલ, પડ કે કલાથી વીંટળાતાં કોષકેન્દ્ર વિશિષ્ટ અને સુયોજિત અંગિકા બની તેમાં 36 % ડીએનએ, 37 % હિસ્ટોન, 10 % આરએનએ, 10 % નૉનહિસ્ટોન, પ્રોટીન કે ઍસિડિક પ્રોટીન સંયોજનો અને અલ્પમાત્રામાં ઉત્સેચક આરએનએ પૉલિમરેઝ હોય છે.
Plectonema – borianum નામની નીલહરિત લીલનો કોષની વચમાં આવેલો કોષકેન્દ્રી વિસ્તાર, કોષકેન્દ્રપટલ ધરાવતો નથી. આથી તેમાં સુકોષકેન્દ્રી કોષકેન્દ્ર જોવા મળતું નથી. ડીએનએ એક કે અધિક સૂક્ષ્મ પુંજમાં હોય છે, જે કોષરસમાં તરતા હોય છે.
આદિકોષકેન્દ્રી સજીવોમાં કોષદીવાલ કોષરસસ્તર (cell membrane), કોષરસ, રસધાની, રાસાયણિક દ્રવ્યો, ન્યૂક્લીઓઇડ સંચિત ખોરાક-આવરણ વગેરે હોય છે.
કાળાન્તરે કોષરસસ્તર (cell membrane) અંત:વલન (infoldings) પામીને વિવિધ કોષોમાં રહેલા પદાર્થોને (રાસાયણિક અણુઓને) વીંટળાઈ વળ્યું. તે પ્રક્રિયાથી દરેક અંગિકા કે ઘટક પટલથી વીંટળાઈને કોષમાં આશરે અઢારેક જેટલી સુયોજિત અંગિકાઓ (organelles) બનાવે છે, જે પોતપોતાનું નિશ્ચિત કાર્ય કરે છે. દા.ત., લીલહરિતદ્રવ્ય (chlorophyll) પટલમાં બંધાતાં નીલકણ (chloroplast) બને છે. અઢારે અંગિકાઓ મળીને સમગ્ર રીતે સુકોષકેન્દ્રી કોષ બનાવે છે. આમ સુકોષકેન્દ્રી કોષની અંદર અંગિકાવાર અલગ ખાનાં (compartments) રચાય છે.
આદિકોષકેન્દ્રી સજીવોનાં સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે : (1) કોષદીવાલ એમીનોશર્કરાઓ, મ્યુરામિક ઍસિડ, ટૉઇકોઇક ઍસિડ, ડાઇએમીનો પામિલિક ઍસિડ અને સેલ્યુલોઝ સિવાયના પૉલિસૅકેરાઇડની બનેલી હોય છે. (2) કણાભસૂત્ર, હરિતકણ, અંત:કોષરસજાળ, ગૉલ્ગીસંકુલ અને તારાકેન્દ્ર જેવી પટલમય અંગિકાઓનો કોષરસમાં અભાવ હોય છે. (3) શ્વસન માટેના ઉત્સેચકો રસસ્તરમાં આવેલા હોય છે. (4) નીલહરિત લીલમાં પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો પરિરસ(periplasm)માં આવેલી પટલિકાઓ(lamallae)ની વચ્ચે વિખરાયેલાં હોય છે. (5) રાઇબોઝોમ 70s (50s + 30s) હોય છે અને તે કોષરસમાં વીખરાયેલાં હોય છે. (6) સામાન્યત: કોષરસધાનીનો અભાવ હોય છે; અથવા હોય તો અતિસૂક્ષ્મ હોય છે. (7) જીવાણુઓ પ્રચલન એકતંતુક કશા દ્વારા કરે છે. નીલહરિત લીલ અકશીય આદિકોષકેન્દ્રી સજીવો છે. (8) કોષકેન્દ્ર આદિકોષકેન્દ્રી હોય છે; જેમાં કોષકેન્દ્રપટલ, રંગસૂત્રદ્રવ્ય (chromatin material) અને કોષકેન્દ્રિકાનો અભાવ હોય છે. DNA અંશત: કોષરસમાં પ્રસરેલું હોય છે. તે હિસ્ટોન નામના પ્રોટીન સાથે સંયોજિત હોતું નથી. (9) અસૂત્રીભાજન (amitosis) દ્વારા કોષવિભાજન થાય છે.
મુકુંદ દેવશંકર ભટ્ટ
સરોજા કોલાપ્પન