આદવન, સુંદરમ્ (જ. 21 માર્ચ 1942, કલ્લિડ ઈકુરિરી, તામિલનાડુ; અ. 19 જુલાઈ 1987) : તમિળ સાહિત્યના સર્જક. આદવન સુંદરમ્ તેમનું ઉપનામ છે. મૂળ નામ કે. એસ. સુંદરમ્. તેમની કૃતિ ‘મુદલિલ ઈરવુ વરુમ’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિજ્ઞાનના સ્નાતક હતા અને તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે રેલવે બૉર્ડથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને પાછળથી 1975માં દિલ્હીના નૅશનલ બુક ટ્રસ્ટમાં જોડાયા હતા. તેમના અકાળ અવસાન વખતે તેઓ એ સંસ્થામાં સહાયક સંપાદક (તમિળ) તરીકે કાર્ય કરતા હતા.
તેઓ 15 વર્ષના હતા ત્યારથી તેમણે લખવાનો પ્રારંભ કર્યો હતો. ટૂંકી વાર્તાનો તેમનો પ્રથમ સંગ્રહ ‘ઈરાવુ કકુ મુન્બુ વરુવધુ માલઈ’ 1974માં પ્રકાશિત થયો. તેમના ટૂંકી વાર્તાના 8 સંગ્રહો, 2 નવલકથાઓ અને એક નાટક પ્રગટ થયા છે. તેમની પ્રથમ નવલકથા ‘કાકિદા મલરગલ’ (1977) તેમનાં વર્ણનપ્રભુત્વ તથા માનવચિત્તને સમજવાની ઊંડી સૂઝનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની અનેક વાર્તાઓનું રશિયન, ફ્રેન્ચ, સ્પૅનિશ, અંગ્રેજી તેમજ હિંદી ઉપરાંત બીજી ભારતીય ભાષાઓમાં ભાષાંતર થયું છે. 1973માં પ્રકાશિત એક ટૂંકી વાર્તા માટે તેમને તમિળનો ‘ઇલવિકઅ ચિંતનઇ’ પુરસ્કાર અપાયો હતો.
પુરસ્કૃત કૃતિ 15 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે; તેમાં માનવીય સંબંધોનાં બદલાતાં જતાં મૂલ્યોનું ચિત્રણ છે. મનોવૈજ્ઞાનિક અન્વેષણ, નવતર સામાજિક જાગરૂકતા, રુચિકારક વ્યંગ્ય તથા માધુર્યસભર ભાષાના કારણે તેને ઉપર્યુક્ત પુરસ્કાર માટે યોગ્ય માનવામાં આવેલી.
મહેશ ચોકસી