આત્મસિદ્ધિશાસ્ત્ર : શ્રીમદ્ રાજચંદ્રજીલિખિત ગ્રંથ. ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી સૌભાગ્યભાઈ જેવા સુપાત્ર જીવ દ્વારા થયેલી વિનંતીના કારણે માત્ર દોઢ-બે કલાકમાં ષડ્દર્શનના સારરૂપ 142 ગાથાનું વિવેચન કરતો ગ્રંથ એકી કલમે લખાયો. શ્રીમદની આ પરમાર્થ ગંભીર પદ્યરચના અદભુત તત્ત્વકળાથી ગૂંથાયેલી છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની વિશેષતા એ છે કે તે માત્ર તાર્કિક બુદ્ધિનું સર્જન નથી, પરંતુ તેની રચના આત્માનુભવપૂર્વક થઈ છે. અત્યંત પરમાર્થ ગંભીર, પરમ ભાવદશા પ્રેરક આ દિવ્ય સર્જનમાં શ્રીમદે છ પદનો મૂળ વિષય સમજાવીને, આત્માની સિદ્ધિનો માર્ગ સર્વ મુમુક્ષુ જીવો માટે અનાવરિત કર્યો છે. ‘આત્મા છે’, ‘તે નિત્ય છે’, ‘તે કર્મનો ભોક્તા છે’, ‘તે કર્મનો કર્તા છે’, ‘મોક્ષ છે’ અને ‘મોક્ષનો ઉપાય છે.’ આ છ પદની જ્ઞાનીપુરુષના અભિપ્રાય અનુસાર અચલ શ્રદ્ધા થાય તો જીવ સમ્યગ્દર્શન પામી, સર્વ દુઃખથી મુક્ત થાય એવા ઉત્તમ આશયથી આ મહાન શાસ્ત્રની રચના થવા પામી છે. જૈન ધર્મના સિદ્ધાંતરૂપ આ છ પદનું તત્ત્વજ્ઞાન જૈન શાસ્ત્રોમાં વારંવાર ચર્ચાયું છે. તે જ તત્ત્વને શ્રીમદે આ શાસ્ત્રમાં સરળતાથી સમજાવ્યું છે.
ભગવાન મહાવીરના મહાન માર્ગના સમર્થક શ્રીમદે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્મકલ્યાણનો સાચો રાહ ચીંધી જગત ઉપર અનેરો ઉપકાર કર્યો છે. તેમાં શ્રીમદનો અનુભવસિંધુ છલકાય છે. આત્મસિદ્ધિશાસ્ત્રની એક એક ગાથામાં અનુભવ–અમૃતરસ ઠાંસી ઠાંસીને ભર્યો છે. આ અનુભવ ચૈતન્યરસ મુમુક્ષુઓને સુગમપણે અમૃતરૂપ પેઈ થઈ પડ્યો છે. તેમનાં વચનો પરમ હિતકારી છે. જેના દ્વારા મુમુક્ષુઓને ધર્મનો માર્ગ પ્રત્યક્ષ કરાવે છે. શ્રીમદે જિનમાર્ગનું દર્શન કરી મુમુક્ષુઓને પણ તે દિવ્ય માર્ગનું દર્શન કરાવ્યું છે. તેમણે આત્માનુભવ પામીને અન્ય પણ આત્માનુભવ કરે તે અર્થે ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ની રચના કરી છે. તેમનાં વચનામૃતમાં એવું સામર્થ્ય છે કે તથારૂપ દશા પ્રગટાવી મુમુક્ષુને મોક્ષ સુધી પહોંચાડવામાં સહાય કરે છે. તેથી મોક્ષમાર્ગ પ્રાપ્ત કરનાર મુમુક્ષુઓએ ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’નું વારંવાર અધ્યયન કરવું જોઈએ. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી કહે છે કે –
‘આત્મસિદ્ધિ હીરાના હાર કરતાં પણ વધારે કીમતી છે. આત્મસિદ્ધિ તો વારંવાર વાંચવી, વિચારવી, અર્થ કરવા.’
તત્ત્વજ્ઞાન ગર્ભિત આત્મલક્ષી ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ આધ્યાત્મિક સાહિત્યનું અણમોલ રત્ન છે.
કનુભાઈ શાહ