આત્મસાતીભવન (assimilation) : મિશ્ર બંધારણવાળા (સંકર) ખડકો ઉત્પન્ન કરતી પ્રક્રિયા. મૅગ્મા કે લાવાના ઠંડા પડવાથી અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. સ્થળ, કાળ અને સંજોગો અનુસાર ઉત્પન્ન થતો મૅગ્મા બેઝિક કે એસિડિક બંધારણવાળો હોઈ શકે છે અને તેનું તાપમાન 12500 સે.થી 6000 સે. સુધીના કોઈ પણ વચગાળાનું હોઈ શકે છે. કોઈ પણ તાપમાન ધરાવતો, ભૂગર્ભમાં ઉત્પન્ન થયેલો મૅગ્મા તેની ઉત્પત્તિ બાદ પોપડામાં જ કોઈ ચોક્કસ જગાએ સ્થાપિત થઈ નાનાંમોટાં પરિમાણવાળાં અંતર્ભેદક સ્વરૂપો રચે છે અથવા પોપડાને વીંધીને પૃથ્વીની સપાટી તરફ ગતિ કરે છે, જે દરમિયાન પોપડાના ખડકોના વિવિધ કદના ટુકડા, પસાર થતા મૅગ્મામાં સમાવિષ્ટ થતા જાય છે. જો મૅગ્માનું તાપમાન ઊંચું હોય તો ટુકડા પીગળતા જઈ મૅગ્મામાં ભળી જાય છે. મૅગ્મામાં થતી ભેળવણીથી મૅગ્મા અશુદ્ધ થાય છે. આ પ્રમાણે મૅગ્માના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે; આ પ્રકારની આત્મસાત્ થવાની પ્રક્રિયાને આત્મસાતીભવન કહેવાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે