આતંકવાદીઓનું મનોવિજ્ઞાન (psychology of terrorists) : આતંકવાદી પ્રવૃત્તિ આચરનાર વ્યક્તિ કે જૂથના મનોવ્યાપારનું વિશ્લેષણ. બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસનો વ્યવસ્થિત રીતે આશ્રય લઈ મુખ્યત્વે રાજકીય હેતુ સિદ્ધ કરવાનો કોઈ વ્યક્તિ કે જૂથ પ્રયત્ન કરે તો તેને આતંકવાદી કહી શકાય. આતંકવાદીઓ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ઠંડા કલેજે બૉમ્બ ફેંકે છે, નિર્દોષ લોકોની હત્યા કે અપહરણ કરે છે. આ પ્રકારનાં કૃત્યોમાં જોડાતી વ્યક્તિઓ એક જૂથ તરીકે ‘હતાશા’થી પીડાતી હોય તે શક્ય છે. હતાશા ઘણી વાર વ્યક્તિને આક્રમક બનાવે છે. કોઈક વાર ‘આદર્શો’થી પ્રેરાઈને આદર્શવાદી યુવકો તો કોઈક વાર ‘ધર્મઝનૂન’ના કારણે ગેરમાર્ગે દોરાયેલા યુવકો આતંકવાદનો માર્ગ અપનાવે છે. ‘વીર નાયક’(heroism)નો ખ્યાલ પણ તેમને આ પ્રવૃત્તિ તરફ ઘસડી લાવે છે તો કોઈક વાર ‘શહાદત વહોરવાની ધૂન’ (martyrdom) તેમને આતંકવાદી બનાવે છે. કોઈક વાર ‘યાતનાના મતિભ્રમ’ કે ‘મહાનતાના મતિભ્રમ’થી પીડાતી વ્યામોહરૂપ (paranoia) માનસિક બીમારીવાળી વ્યક્તિઓ પણ આતંકવાદી બની પોતાના માર્ગમાં આવતી વ્યક્તિઓને ખતમ કરી નાખવા માટેની યાદી (hit list) બનાવતી હોય છે. ક્યારેક પ્રસિદ્ધિ મેળવવાની વૃત્તિ કે બદલો લેવાની વેરભાવના પણ આતંકવાદી પ્રવૃત્તિનું કારણ બની જાય છે. આતંકવાદીઓ ખતમ થતા જાય તેમ પોતાનું ખમીર ટકાવવા વધુ આક્રમક બની નિર્મમ હત્યાઓ કરે છે. કેટલીક વાર શાસકો કે રાષ્ટ્રો પણ આતંકવાદી કારવાઈ કરે છે. પોતાનાં પ્રતિસ્પર્ધી જૂથોને ખતમ કરી નાખવા, વિદ્રોહી પ્રવૃત્તિઓને કચડી નાખવા કે ગેરીલાઓને ડામવા માટે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવે છે. આતંકવાદ એ કેવળ ‘કાયદો અને વ્યવસ્થા’નો પ્રશ્ન નથી. આતંકવાદી પ્રવૃત્તિઓનાં મૂળ ક્યાં છે, તેમાં જોડાનાર વ્યક્તિઓનાં પ્રેરકબળો ક્યાં છે વગેરે બાબતો સમજવાની કોશિશ કરવામાં આવે તો આતંકવાદનો પ્રશ્ન હળવો કરી શકાય. આતંકવાદ એ કોઈ એક સમાજ કે રાષ્ટ્રની ઘટના રહી નથી. આ એક વૈશ્વિક ઘટના બની ગઈ છે અને તેથી તેનો આંતરરાષ્ટ્રીય સ્તરે મુકાબલો કરવો જરૂરી બન્યો છે. આતંકવાદી પ્રવૃત્તિને ડામવા માટે બધાં રાષ્ટ્રોએ એકબીજાંની સાથે સહકાર કરવો જોઈએ. એક રાષ્ટ્ર આતંકવાદીઓની સામે લડે અને બીજું રાષ્ટ્ર તે આતંકવાદીઓને આશ્રય અને પ્રોત્સાહન આપે તો આતંકવાદનું અનિષ્ટ નાબૂદ થઈ શકે નહિ. ઉલટું, તેમ થાય ત્યારે આતંકવાદને પ્રોત્સાહન મળે છે.
નટવરલાલ શાહ