આડત : માલની ખરીદી તથા વેચાણ કરવા ઇચ્છતી વ્યક્તિઓ વચ્ચે સંપર્ક કરાવી આપનાર વ્યક્તિ(આડતિયા)ને આ પ્રકારની સેવા માટે મળતો નાણાકીય બદલો. આડતિયાનો આડતપ્રાપ્તિનો અધિકાર વેપારી સાથેના લેખિત કરાર અથવા ધંધાની ગર્ભિત રૂઢિ પર આધારિત હોય છે. ખરીદવેચાણના સોદામાંથી આડતિયો અંગત નફો કરી શકતો નથી અને જો તે એમ કરે તો નફાની રકમ ખરીદનાર કે વેચનારને સુપરત કરવા તે બંધાયેલો હોય છે. આડતના ધંધામાં બજારતંત્રનું જ્ઞાન, બજારમાં પ્રવર્તમાન અદ્યતન વલણોની માહિતી, માલની પરખ કરવાનો કસબ તથા ખરીદનાર કે વેચનારની આર્થિક પરિસ્થિતિ અને તેમાંથી ઉદભવતી તેની વિશ્વસનીયતા જેવી બાબતો અગત્યની છે. માલ ખરીદનાર કરારનો અમલ ન કરે અને માલનો કબજો લેવાની ના પાડે તો કેટલાક કિસ્સાઓમાં આડતિયો પોતે માલનો કબજો લઈ વેચનારને કિંમત ચૂકવી આપે છે. આડતિયો સામાન્ય સંજોગોમાં બંને પક્ષો વચ્ચે સોદો કરાવવાનું જ કાર્ય કરે છે, ખરીદવેચાણ થતા માલ ઉપર તેની માલિકી હોતી નથી; છતાં કેટલીક વાર માલનો વાસ્તવિક માલિક આડતિયાને માલિકની જેમજ માલ વેચવાનો અધિકાર આપે છે. જો આડતિયાએ માલ ખરીદનારની આર્થિક સધ્ધરતા તથા કિંમત ચુકવણી અંગેની તેની વિશ્વસનીયતાની બાંયધરી આપવાની વધારાની જવાબદારી પણ ઉઠાવી હોય તો તેને આશ્વાસી આડતિયો (del credere agent) કહેવામાં આવે છે અને આ વધારાની જવાબદારી પેટે તેને જે વધારાનો બદલો ચૂકવવામાં આવે છે તેને આશ્ર્વાસી આડત (del credere commission) કહેવામાં આવે છે. જ્યારે આડતિયાની સેવા માલ ખરીદવા માટે લેવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછી કિંમતે ઉત્કૃષ્ટ માલની ખરીદી થાય તે જોવાની તેની ફરજ બને છે.

આડતનો ધંધો ખેતબજાર, વપરાશી ચીજવસ્તુઓનાં બજાર, શેરબજાર, વાયદાબજાર, આયાતનિકાસ બજાર  એમ અનેક ક્ષેત્રમાં વ્યાપ્ત છે. આધુનિક વ્યાપાર અને વાણિજ્યમાં આર્થિક વ્યવહાર પરત્વે કૌશલ્ય અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપનને પ્રાધાન્ય અપાતું હોવાથી આડતિયાની સેવા અનિવાર્ય બની છે.

જયન્તિલાલ પો. જાની

બાળકૃષ્ણ માધવરાવ મૂળે