આડતિયો : વિવિધ વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે વ્યક્તિ દ્વારા થતી અન્ય વ્યક્તિની નિયુક્તિ. તેને એજન્ટ, અભિકર્તા, પ્રતિનિધિ, મુખત્યાર, મધ્યસ્થી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિનું પ્રતિનિધિત્વ ધરાવવાનું હોય અગર જે વ્યક્તિ વતી કાર્ય કરવાનું હોય તેને મૂળ ધણી, માલધણી, માલિક વગેરે નામથી ઓળખવામાં આવે છે.

આડતિયાનાં કૃત્યો તેના મૂળ ધણીનાં કૃત્યો ગણાય છે. આડતિયો પોતાને માટે કૃત્ય કરતો હોતો નથી; તે તો તેના મૂળ ધણી અને અન્ય વ્યક્તિઓ વચ્ચેના સંબંધો સ્થાપિત કરવા માટેની સાંકળ સમાન છે. મૂળ ધણી તરફથી આપવામાં આવેલી સત્તાઓ અને સૂચનાઓની મર્યાદામાં રહીને આડતિયો જે કાંઈ પણ કૃત્ય કરે તે માટે તેનો મૂળ ધણી જવાબદાર હોય છે. આડતિયાને તેનાં કાર્યો કરવા બદલ મહેનતાણું આપવામાં આવે છે; તેને આડત, કમિશન કે દલાલી કહે છે.

આડતિયા યા એજન્ટના બે વર્ગ છે : (1) વ્યાપારી આડતિયા (mercantile agents) અને (2) બિનવ્યાપારી આડતિયા (non-mercantile agents).

વ્યાપારી આડતિયો તેના માલધણી વતી વ્યાપારી માલસામાનનું વેચાણ યા તેની ખરીદી કરવાની તથા તેને અનુષંગી અન્ય જરૂરી કામગીરીઓ બજાવે છે. વ્યાપારી આડતિયાને કમિશનએજન્ટ અગર કમિશનદલાલ કહેવાય. દેશાવરનાં કે પરદેશનાં બજારોમાં મૂળ ધણીની વતી ચીજવસ્તુઓની ખરીદી કે/અને વેચાણ કરવા સારુ કમિશનએજન્ટ અગર કમિશનદલાલ નિયુક્ત કરવામાં આવે છે; તે તેના મૂળ ધણી વતી ચીજવસ્તુઓ ખરીદે અથવા/ અને વેચે છે, અને તેણે આપેલી સેવાઓના બદલામાં કમિશન યા દલાલી રૂપે મહેનતાણું મેળવે છે. તે તેના મૂળ ધણીની વતી તમામ કામકાજ મૂળ ધણીના હિસાબે અને જોખમે કરે છે.

કમિશનએજન્ટ સામાન્યત: ઉત્પાદકો કે પ્રોસેસરોના પ્રતિનિધિ હોય છે; નિશ્ચિત વિસ્તારોમાં, નિશ્ચિત મુદત માટે, નિશ્ચિત ચીજવસ્તુઓ વેચવા/ખરીદવા સારુ તેની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. તેના વિસ્તારમાં થયેલ વેચાણ ઉપર કે તેની મારફતે થયેલ વેચાણ ઉપર તેને કમિશન આપવામાં આવતું હોય છે; તે જ પ્રમાણે તેની મારફતે થયેલી ખરીદી ઉપર તેને કમિશન આપવામાં આવતું હોય છે.

બિનવ્યાપારી આડતિયો માલસામાનની ખરીદી યા વેચાણ કરતો નથી; તેનું કાર્ય તેના મૂળ ધણીને જોઈતી સેવાઓ, સગવડો, હામીદારી વગેરે પૂરાં પાડવાનું અગર તો તે મેળવી આપવાનું હોય છે. વેપાર-વાણિજ્યનાં તમામ ક્ષેત્રોમાં તે જોવા મળે છે. દલાલો, મારફતિયાઓ, વાહકો, સંગ્રાહકો, હામીદારો, આંગડિયાઓ વગેરે બિનવ્યાપારી આડતિયાઓ કહેવાય.

દલાલ એ બિનવ્યાપારી આડતિયાનો ખૂબ જ વ્યાપક પ્રકાર છે. તેનું મુખ્ય કર્તવ્ય ખરીદનાર તથા વેચનાર પક્ષકારોને ભેગા કરી તે બે વચ્ચે વ્યાપારી યા વ્યાવસાયિક સંબંધો સ્થાપિત કરી આપવાનું છે; તે બંને પક્ષકારો વતી અથવા તો બે પૈકી કોઈ એક પક્ષકાર વતી કામગીરી બજાવે છે. પક્ષકારો વચ્ચે સંબંધ સ્થાપિત થાય એટલે દલાલની કામગીરી પૂરી થાય. પાછળથી પક્ષકારો વચ્ચે વાદવિવાદ ઊભા થાય તો તે માટે દલાલ જવાબદાર નથી. સ્થાવર યા જંગમ મિલકતો, અસ્કામતો, ચીજવસ્તુઓ વગેરે ખરીદવા કે વેચવા માટે તેમજ અનેક પ્રકારની સેવાઓ-સગવડો મેળવવા કે પૂરી પાડવા માટે અનેક પ્રકારના દલાલોની સહાય લેવામાં આવે છે; ઉદાહરણ રૂપે નાણાદલાલ, વીમાદલાલ, નાણાવટી-દલાલ, પરિવહન-દલાલ, એસ્ટેટ- દલાલ વગેરે.

આડતિયા અને દલાલ વચ્ચેની ભિન્નતાની જેટલી તેની રજૂઆતમાં સ્પષ્ટતા જોવા મળે છે તેટલી વ્યવહારમાં જોવા મળતી નથી. કોઈક માણસ દલાલ છે કે આડતિયો છે તે મહદ્અંશે તેની કામગીરીના સ્વરૂપ ઉપર તથા તેના મૂળ ધણી સાથેના તેના વ્યવહારમાંથી વ્યક્ત થતાં તેનાં કર્તવ્યો-ફરજો, અધિકારો વગેરેનાં સ્વરૂપ ઉપર અવલંબે છે.

ધીરુભાઈ વેલવન