આડ (bar) : બાધક બનતો નિક્ષેપજથ્થો. નદીકિનારે, નદીપટમાં, નદીના માર્ગ પર, નદીના મુખપ્રદેશમાં, સરોવરમાર્ગમાં, ખાડી-સરોવરના માર્ગમાં, ખાડીમુખમાં, સમુદ્ર-ફાંટાના માર્ગમાં, સમુદ્રની અંદર, જળવ્યવહારને અંતરાયરૂપ બનતો રેતી, ગ્રૅવલ કે કાંપનો જથ્થો.

 

સમુદ્રના ઘસારાકાર્યમાં મોજાં કે પ્રવાહો દ્વારા સમુદ્રતળ ઉપર રચાયેલા રેતી અને/અથવા ગ્રૅવલના ભિન્ન ભિન્ન આકાર-પ્રકારના ઓછાવત્તા ડૂબેલા કે ઊપસેલા રહેતા પાળાસ્વરૂપના અંતરાયો માટે લાક્ષણિક અર્થમાં ‘આડ’ શબ્દ પ્રયોજાય છે.

Estuary mouth

નદીનાળ

સૌ. "Estuary mouth" | CC BY 3.0

દરિયારિનારાના રેતાળ પ્રદેશને લગભગ સમાંતર, સમુદ્રજળમાં થોડે અંતરે રહેલો અથવા નદીમુખમાં કે નદીનાળ(estuary)માં મોટી ભરતી વેળાએ ડૂબેલો રહેતો, રેતી કે ગ્રેવલ કે અન્ય અદૃઢીભૂત દ્રવ્યજથ્થાથી રચાયેલા ટેકરા જેવો કે ડુંગરધાર જેવો અવરોધ પણ આડ કહેવાય છે.

બે ઊંડા જળવિસ્તારો વચ્ચે છીછરા જળનો વિભાગ રચતા શિલાચૂર્ણથી બનેલા ખડકજથ્થાને પણ આડ કહી શકાય.

નદીઓ દ્વારા વહનક્રિયામાં સ્થાનાંતરિત થઈને આવતો કાંપ, કાદવ કે કોઈ પણ પ્રકારના શિલાચૂર્ણનો જથ્થો નદીના માર્ગમાં, ત્રિકોણપ્રદેશમાં, ખાડીઓમાં, કે સમુદ્રકિનારાને સમાંતર સમુદ્રજળમાં જ્યારે એકત્રિત થઈને લાંબી ટેકરી જેવો ભૂમિ-આકાર બનાવે ત્યારે આડ-રચના થાય છે. સ્થાન તેમજ આકાર પ્રમાણે આડ સ્પિટ (spit) અને આંકડાઆકારની સ્પિટ (hooked spit)  એમ જુદાં જુદાં નામથી તે ઓળખાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ