આઝાદ, મોહમ્મદ હુસૈન (જ. 5 મે 1830, દિલ્હી; અ. 22 જાન્યુઆરી 1910, લાહોર, પાકિસ્તાન) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. દિલ્હીમાં પિતા મૌલવી બાકરઅલીએ ‘ઉર્દૂ અખબાર’ દૈનિકનો પહેલો અંક 1856માં પ્રસિદ્ધ કર્યો હતો. કવિ ઝોકે એમને પ્રાથમિક શિક્ષણ આપ્યું હતું. પછી દિલ્હી કૉલેજમાં તાલીમ લીધી. ફારસી, અરબી સાથે સંસ્કૃત, વ્રજભાષા હિંદી અને અંગ્રેજીના તેઓ વિદ્વાન હતા. લાહોરમાં કર્નલ હૉલરૉઇડના કહેવાથી આઝાદે ‘અંજુમને ઉર્દૂ’ નામની એક સંસ્થા શરૂ કરી હતી. તેમાં નવી પદ્ધતિનું કવિસંમેલન યોજેલું, જેમાં પંક્તિને બદલે શીર્ષક (જેમકે કુદરતી દૃશ્ય, ભાવનાઓ, ઐતિહાસિક ઘટનાઓ વગેરે) કવિઓને લખવા માટે અપાતાં. આ નવા મુશાયરાએ ઉર્દૂ પદ્યમાં ક્રાંતિ આણી. કવિ હાલીએ પણ એમાં ભાગ લઈ કવિતા લખી. આઝાદે પોતે ‘સુબ્હે ઉમ્મીદ’, ‘દાદેઇન્સાફ’, ‘અબ્રેકરમ’ વગેરે કાવ્યો લખ્યાં છે; જે કોમલ પદાવલિ, સુંદર વિચાર અને નવી ઉપમાઓને લીધે ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.
આઝાદ ગદ્યમાં પણ પ્રખ્યાત થયા છે. તેમાં ઐતિહાસિક રચનાઓ ‘દરબારે અકબરી’ (અકબરના જમાનાની તવારીખ) ધ્યાનપાત્ર છે.
‘આબે હયાત’માં ઉર્દૂ ભાષાના ઇતિહાસ સાથે ઉર્દૂ કવિઓનાં જીવનચરિત્રો અને તેમની પ્રખ્યાત કાવ્યકૃતિઓ વિશે વિવેચન પણ કર્યું છે. ‘સુખનદાને ફારસ’માં ભાષાવિજ્ઞાન અને વ્યુત્પત્તિશાસ્ત્ર છે. ‘નૈરંગે ખયાલ’માં રૂપકાત્મક વાર્તાઓ છે. આઝાદની શૈલી રસાત્મક અને મજેદાર છે. ઉર્દૂ સાહિત્યમાં આઝાદનો ફાળો ખૂબ અગત્યનો છે.
એહમહુસેન નૂરમોહંમદ કુરેશી