આઝાદ, ગુલામનબી (જ. 7 માર્ચ, 1949, સોતી, ગંદોહ તાલુકો (ભાલેસ્સા), ડોડા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર) : વર્ષ 2014થી 2021 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા, વર્ષ 2005થી 2008 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહેનાર આઝાદ પાંચ દાયકાથી વધારે સમયગાળા સુધી કૉંગ્રેસના પહેલી હરોળના નેતા હતા. ઑગસ્ટ, 2022માં આઝાદે કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી દ્વારા ચર્ચાવિચારણાની પ્રક્રિયાને રદ કરી હોવાથી વરિષ્ઠ નેતાઓનું કોઈ મહત્ત્વ રહ્યું નથી એવો આરોપ મૂકીને પક્ષના તમામ હોદ્દોઓ પરથી રાજીનામું આપી દીધું અને સપ્ટેમ્બર, 2022માં ડેમૉક્રૅટિક આઝાદ પાર્ટીની રચના કરી, જેનો ધ્વજ –મસ્ટાર્ડ, વ્હાઇટ અને બ્લૂ એમ ત્રણ રંગ ધરાવે છે.
પિતા રહમતુલ્લાહ બટ્ટ અને માતા બાસા બેગમ. પ્રાથમિક શિક્ષણ સોતીમાં. જમ્મુમાં ઉચ્ચશિક્ષણ અને જી જી એમ સાયન્સ કૉલેજમાંથી વિજ્ઞાન શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી. ઉપરાંત 1972માં શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીમાંથી ઝૂલોજીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી.
વર્ષ 1973માં ભાલેસ્સામાં તાલુકા કૉંગ્રેસ સમિતિમાં સચિવ તરીકે કામગીરી સાથે રાજકીય કારકિર્દીનો શુભારંભ કર્યો. બે વર્ષ પછી જમ્મુ અને કાશ્મીર પ્રદેશ યુવા કૉંગ્રેસના પ્રમુખ બન્યા. વર્ષ 1980માં અખિલ ભારતીય યુવા કૉંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક થઈ. 1980માં સાતમી લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની વાશિમ બેઠક પરથી સાંસદ બન્યા તેમજ 1980થી 1984 સુધી કાયદો, ન્યાય અને કંપની બાબતોના નાયબ મંત્રી અને માહિતી અને પ્રસારણના નાયબ મંત્રી તરીકે કામગીરી કરી. આઠમી લોકસભામાં સાંસદ બનીને 1984થી 1989 સુધી સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી તરીકે કામગીરી કરી.
વર્ષ 1991થી 1996થી મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા. આ ગાળામાં તેમણે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી તરીકે સેવા આપી. 1996થી 2002 સુધી જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા. વર્ષ 2002થી 2006 સુધી જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભાના સાંસદ ફરી બન્યા. દરમિયાન તેઓ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હતા.
આઝાદને નવેમ્બર, 2005માં જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી કેન્દ્રમાંથી કાશ્મીર મોકલવામાં આવ્યા. કૉંગ્રેસ અને પીડીપીએ ગઠબંધનમાં સરકાર બનાવી હતી. જોકે 7 જુલાઈ, 2008ના રોજ પીડીપીએ ટેકો પાછો ખેંચતા આઝાદે રાજીનામું આપી દીધું અને દિલ્હીમાં પુનરાગમન કર્યું. પછી યુપીએના બીજા શાસનકાળમાં આરોગ્ય મંત્રી બન્યા. જૂન, 2014માં રાજ્યસભામાં આઝાદ વિપક્ષના નેતા બન્યા. વર્ષ 2021 સુધી જમ્મુ-કાશ્મીરમાંથી રાજ્યસભાના સાંસદ રહ્યા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે આઝાદે તેમની બે વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે ટીકાની સાથે હાંસીને પાત્ર બન્યા હતા. એક, તેમણે દેશની વસ્તીનું નિયંત્રણ કરવા માટે લગ્નવય વધારીને 25થી 30 વર્ષ વચ્ચે કરવાનું સૂચન કર્યું હતું. બે, તેમણે વસ્તીવધારા માટે ગ્રામીણ વિસ્તારોમાં વીજળીના પુરવઠાના અભાવને જવાબદાર ગણાવીને કહ્યું હતું કે, વીજળીના અભાવે ગ્રામીણ લોકો ટીવી પર મનોરંજન માણી શકતા નથી એટલે ગ્રામીણ વિસ્તારોમાં વધારે બાળકો પેદા થાય છે.
ભારત સરકારે માર્ચ, 2022માં આઝાદને જાહેર જીવનમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે પહ્મભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. 1 ઑગસ્ટ, 2018ના રોજ તેમને દેશના ઉત્કૃષ્ટ સાંસદનો પુરસ્કાર મળ્યો હતો.
આઝાદે વર્ષ 2022માં ‘આઝાદઃ એન ઓટોબાયોગ્રાફી’ નામની આત્મકથા લખી છે.
કેયૂર કોટક